હાઈકોર્ટનું કહેવું છે કે, અરજદારો અને વકીલોને કોર્ટ સમક્ષ કેસ રજૂ કરવાનો અધિકાર છે, જજ તેમની બંધારણીય ફરજ બજાવી રહ્યા છે
તિરૂવનંતપુરમ
આપણને ઘણી વખત કોર્ટમાં જોવા મળે છે કે કોઈ વ્યક્તિ અથવા વકીલ હાજર થાય તો તે જજની સામે હાથ જોડીને પોતાનો કેસ રજૂ કરે છે. આ મામલાને લઈ કેરળ હાઈકોર્ટની ટિપ્પણી સામે આવી છે. કેરળ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, કોર્ટમાં જજોની સામે હાથ જોડીને કેસ રજૂ કરવાની જરૂર નથી. હાઈકોર્ટનું કહેવું છે કે, અરજદારો અને વકીલોને કોર્ટ સમક્ષ કેસ રજૂ કરવાનો અધિકાર છે. કોર્ટે એમ પણ કહ્યું કે જજ તેમની બંધારણીય ફરજ બજાવી રહ્યા છે અને તેઓ ભગવાન નથી. તાજેતરમાં અરજદારો હાથ જોડીને અને આંખોમાં આંસુ સાથે કોર્ટમાં પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા જે બાદ કોર્ટે આ ટિપ્પણી કરી હતી.
આ સુનાવણી જસ્ટિસ પીવી કુન્હિક્રિષ્ન દ્વારા કરવામાં આવી હતી. જસ્ટિસ પીવી કુન્હિક્રિષ્નને કહ્યું કે, ભલે કોર્ટને ન્યાયનું મંદિર કહેવામાં આવે છે, પરંતુ બેન્ચ પર કોઈ ભગવાન નથી. શિષ્ટાચાર જાળવવા સિવાય ન્યાયાધીશોને અરજદારો અથવા વકીલો તરફથી કોઈ અલગ પ્રકારના સન્માનની જરૂર નથી.
રમલા કબીર નામના કોઈ અરજદાર તેમના પર કરવામાં આવેલ એફઆઈઆર વિરુધ વિવિધ કલમોને હટાવાની માગને લઈ કોર્ટ પહોંચ્યા હતા. તેમની સામેના આરોપો એ હતા કે કબીર વારંવાર ફોન પર અલપ્પુઝાના ઉત્તર પોલીસ સ્ટેશનના સર્કલ ઇન્સ્પેક્ટર સાથે દુર્વ્યવહાર કરતો હતો અને ધમકી આપતો હતો. કબીરે આ આરોપો વિરુધ કોર્ટમાં કહ્યું કે, આ કેસ ખોટો છે અને પોલીસ દ્વારા તેને ખોટી રીતે ફસાવામાં આવી રહ્યો છે.