ઈઝરાયલ પર હમાસના હુમલા બાદ પ.એશિયામાં મહત્ત્વની ભૂમિકા ભજવવાનો પ્રયાસ કરી રહેલા ચીને હવે ઈઝરાયલ સામે જોરદાર નિશાન તાક્યું
બેઈજિંગ
યુદ્ધ વચ્ચે ચીને ગાઝામાં ઈઝરાયલની કાર્યવાહી સામે સવાલો ઊભા કર્યા છે. તાજેતરમાં જ ચીને ઈઝરાયલ દ્વારા કરાઈ રહેલી કાર્યવાહીની તુલના ગાઝાના લોકો માટે સજા સાથે કરી હતી. ઈઝરાયલ પર હમાસના હુમલા બાદ પ.એશિયામાં મહત્ત્વની ભૂમિકા ભજવવાનો પ્રયાસ કરી રહેલા ચીને હવે ઈઝરાયલ સામે જોરદાર નિશાન તાક્યું છે.
ચીનના વિદેશમંત્રી વાંગ યીએ કહ્યું કે ઈઝરાયલની કાર્યવાહી હવે સેલ્ફ ડિફેન્સ એટલે કે આત્મરક્ષાની હદોને વટાવી ચૂકી છે. સાથે જ તેમણે ગાઝાના લોકોને અપાઈ રહેલી સજા પર રોક લગાવવાની માગ કરી છે. ખાસ વાત એ છે કે ચીન તરફથીઆ ટિપ્પણી એવા સમયે કરાઈ છે જ્યારે ઈઝરાયલ ગાઝામાં જમીની હુમલા કરવાની તૈયારી કરી રહ્યું છે.
વાંગે કહ્યું કે ઈઝરાયલ આંતરરાષ્ટ્રીય સમુદાય અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના આહ્વાનને સાંભળવું જોઇએ અને ગાઝાના લોકોને મળી રહેલી સજા પર રોક લગાવવી જોઈએ. એવું મનાય છે કે આ યુદ્ધને લઈને ચીન તરફથી પહેલીવાર આકરી પ્રતિક્રિયા આપવામાં આવી છે.
ઈઝરાયલી સૈન્યએ આ અઠવાડિયાના અંતે ગાઝા પટ્ટીમાં જમીની હુમલા કરવાની યોજના બનાવી હતી પણ હવામાનની સ્થિતિને કારણે રવિવારે અમુક દિવસો માટે આ કાર્યવાહીની યોજના પડતી મૂકાઈ હતી. અમેરિકી અખબારે ત્રણ વરિષ્ઠ ઈઝરાયલી સૈન્ય અધિકારીઓના હવાલાથી આ રિપોર્ટ અંગે જાણકારી આપી હતી.