ગ્લેન મેક્સવેલ શ્રીલંકા સામે 31 રન બનાવી અણનમ રહ્યો, આ દરમિયાન મેક્સવેલે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા
લખનઉ
લખનઉના એકાના સ્ટેડિયમમાં ગઈકાલે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે વન-ડે વર્લ્ડ કપ 2023ની 14મી મેચ રમાઈ હતી. ટોસ જીતીને શ્રીલંકાની ટીમ 43.3 ઓવરમાં 209 રન બનાવી ઓલઆઉટ થઇ ગઈ હતી. શ્રીલંકાની ઓપનિંગ જોડીએ ટીમને એક મજબૂત શરૂઆત આપી હતી. પથુમ નિસાંકા અને કુસલ પરેરાએ 125 રનની ભાગીદારી કરી હતી. પરંતુ શ્રીલંકાની ટીમ સમગ્ર 50 ઓવર પણ રમી ન શકી અને 209 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમે 5 વિકેટ ગુમાવી 35.2 ઓવરમાં લક્ષ્ય પ્રાપ્ત કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ ઈંગ્લીસ અને મિચેલ માર્શે ફિફ્ટી ફટકારી હતી. આ ઉપરાંત લાબુશેને 40 જયારે ગ્લેન મેક્સવેલ 31 રન બનાવી અણનમ રહ્યો હતો. આ દરમિયાન મેક્સવેલે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ 2 છગ્ગા ફટકારવા સાથે જ મેક્સવેલે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.
શ્રીલંકા સામે મેક્સવેલે પોતાની ઇનિંગ દરમિયાન 2 છગ્ગા ફટકારવાની સાથે ભારતમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાં સૌથી વધુ છગ્ગા મારનાર વિદેશી બેટ્સમેન બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર કાયરન પોલાર્ડના નામે હતો. પોલાર્ડે 49 છગ્ગા ફટકાર્યા છે. પરંતુ ગઈકાલે શ્રીલંકાની સામે રમાયેલી મેચમાં 2 છગ્ગા ફટકારી મેક્સવેલે પોલાર્ડને પાછળ છોડી દીધો છે. મેકસવેલના નામે કુલ 51 છગ્ગા છે. આ લિસ્ટમાં 48 છગ્ગા સાથે અસગર અફગાન ત્રીજા નંબરપર છે, જયારે એબી ડી વિલિયર્સ 48 છગ્ગા સાથે ચોથા સ્થાને છે.