હાર્દિક પંડ્યાના ઘૂંટણના ભાગમાં જે ઈજા થઇ તેની સારવાર બેંગલુરુમાં ચાલી રહી છે
નવી દિલ્હી
વર્લ્ડ કપ 2023માં ભારતનું અત્યાર સુધીમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે. ભારત અત્યાર સુધીમાં ચાર મેચ રમી છે અને તે બધી જીત્યું છે એવા હાલ ભારતીય ક્રિકેટ ટીમ માટે એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ગઈકાલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ દરમિયાન સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ ગઈકાલે તેની મેચમાં વાપસી જોવા મળી ન હતી એવા આજે અપડેટ આવી રહ્યું છે કે, ભારતની આવતી મેચ જે ન્યૂઝીલેન્ડ સામે રમવાની છે તેમાં પણ હાર્દિક પંડ્યા રમી શકશે નહીં કારણ કે હાલ બેંગલુર સ્થિત હોસ્પિટલમાં તેની ઇન્જરી માટે સારવાર ચાલી રહી છે. બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે, હાર્દિક પંડ્યાના ઘૂંટણના ભાગમાં જે ઈજા થઇ તેની સારવાર બેંગલુરુમાં ચાલી રહી છે. ઉપરાંત બીસીસીઆઈએ ઈંગ્લેન્ડના નિષ્ણાત ડૉક્ટરની સલાહ પણ લીધી હતી.
ભારત સામે બાંગ્લાદેશે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશની બેટિંગ દરમિયાન હાર્દિક પંડ્યા 9મી ઓવર ફેંકવા આવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર લિટન દાસે શાનદાર ચોગ્ગો ફટકાર્યો હતો. આ ચોગ્ગાને રોકવાના પ્રયાસમાં પંડ્યાને ઈજા થઇ હતી. પંડ્યાને ઈજા થયા બાદ તરત જ ફિઝિયો મેદાન પર આવ્યા અને તેની ટ્રીટમેન્ટ કરવા લાગ્યા હતા. જો કે ફિઝિયોની સારવાર બાદ હાર્દિક બોલને પકડીને બોલિંગ કરવા માંગતો હતો, પરંતુ તે બોલિંગ કરી શક્યો ન હતો, જેના કારણે તેણે બોલિંગ છોડીને મેદાનની બહાર જવું પડ્યું હતું.