અમેરિકા કરતાં આધુનિક સૈન્ય બને તે માટે જિનપિંગ પાણીની જેમ ફંડ વાપરે છે
વૉશિંગ્ટન
અમેરિકાના સંરક્ષણ વિભાગે અમેરિકન કોંગ્રેસને ચીનના લશ્કર અંગેનો અહેવાલ આપ્યો હતો. એમાં દાવો કર્યો હતો કે ચીન ધારણાં કરતાં અનેક ગણી ઝડપે પરમાણુ હથિયારો વધારી રહ્યું છે અને અમેરિકા કરતાં આધુનિક સૈન્ય બને તે માટે જિનપિંગ પાણીની જેમ ફંડ વાપરે છે. તે ઉપરાંત ચીન નવી ખૂબ જ શક્તિશાળી ઈન્ટર કોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઈલ પણ બનાવી રહ્યું છે. ચીને હથિયારો વધારવાની ઝડપ અગાઉ કરતાં વધારી દીધી છે અને અમેરિકા કરતાં વધારે પરમાણુ હથિયારોનો લક્ષ્યાંક સેટ કરાયો છે. ૨૦૩૫ સુધીમાં ચીનનું લશ્કર સંપૂર્ણપણે આધુનિક બને તે દિશાના પ્રયાસો જિનપિંગ શરૂ કર્યા છે.
અમેરિકન કોંગ્રેસ સમક્ષ રજૂ કરેલા સંરક્ષણ વિભાગના અહેવાલમાં દાવો થયો હતો કે ચીન પાસે ૫૦૦ પરમાણુ બોમ્બ છે અને ૨૦૩૦ સુધીમાં ચીને ૧૦૦૦ પરમાણુ બોમ્બનો લક્ષ્યાંક સેટ કર્યો છે. અમેરિકા પાસે ૩૭૫૦ પરમાણુ હથિયારો હોવાનો અંદાજ છે. ચીન ૨૦૩૫ સુધીમાં ૧૫૦૦ પરમાણુ બોમ્બ બનાવવાની પેરવીમાં છે અને એ પછીના એક દાયકામાં આ આંકડો બમણો થાય તે માટે અત્યારથી રૂપરેખા તૈયાર થઈ રહી છે. અત્યાર સુધી એવો અંદાજ હતો કે ચીન પાસે ૨૦૦ પરમાણુ બોમ્બ હશે, પરંતુ ધારણા કરતાં અઢી ગણા વધુ પરમાણુ બોમ્બ ચીન પાસે છે.
અમેરિકા કરતાં ચીનનું લશ્કર શક્તિશાળી બને તે માટે જિનપિંગે ૨૦૩૫ના વર્ષનો લક્ષ્યાંક સેટ કર્યો છે. ત્યાં સુધીમાં ચીનનું લશ્કર જગતમાં સૌથી પાવરફૂલ હોય એ માટે જિનપિંગે ગુપ્ત રીતે બજેટમાં ગણાવ્યા વગર લશ્કરને ફંડ આપવાનું શરૂ કર્યું છે. ૨૦૪૯ સુધીમાં ચીનનું લશ્કર એવા મુકામ પર પહોંચી જવા માગે છે કે જ્યાં એની નજીકનું કોઈ હરીફ ન હોય. અમેરિકા અને સાથી દેશો ભેગા મળે તો પણ ચીનના લશ્કરનો મુકાબલો ન કરી શકે એવી લશ્કરી તાકાત બનાવવા માટે પ્રયાસો થઈ રહ્યાં છે.
અમેરિકન સંરક્ષણ વિભાગના કહેવા પ્રમાણે ૨૦૨૭ સુધીમાં તાઈવાનને ગળી જવાનો લક્ષ્યાંક આર્મીને આપી દેવાયો છે. ગમે તેમ કરીને ચીન ૨૦૨૭ સુધીમાં તાઈવાનને પોતાનો અભિન્ન હિસ્સો બનાવી દેવાની પેરવીમાં છે. લશ્કરી રાહે આ કામ નહીં થાય તો તાઈવાનમાં રાજકીય રીતે પણ આ મિશન પાર પાડવા તૈયાર રહેવા કહી દેવાયું છે. રશિયા-યુક્રેન યુદ્ધમાંથી ધડો લઈને ચીને વધારે તાકતવર બનવાનું નક્કી કર્યું છે. રશિયા યુક્રેન કરતાં ક્યાંય શક્તિશાળી હોવા છતાં જે રીતે રશિયન સૈન્ય હજુય ઝઝૂમે છે તે જોતાં ભવિષ્યમાં ચીનની સ્થિતિ આવી ન થાય તે માટે ચીને અત્યારથી લશ્કરી શક્તિ અને હથિયારો વધારવાનો પ્લાન અમલમાં મૂક્યો છે.