રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા માર્ગદર્શન પામેલી ગુજરાતની બે ખેડૂત ઉત્પાદક કંપનીઓ – બનાસ ફાર્મર્સ પ્રોડ્યૂસર કંપની અને ચોરાડ ફાર્મર્સ પ્રોડ્યૂસર કંપની – ને બુધવારે નવી દિલ્હીમાં સી.આઇ.આઇ. એફ.પી.ઓ. સમિટમાં સી.આઇ.આઇ. એફ.પી.ઓ. શ્રેષ્ઠતા પુરસ્કારો આપવામાં આવ્યા હતા. ચોરાડ એફ.પી.સી.ને મેમ્બર્સ એન્ગેજમેન્ટ માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો, જ્યારે બનાસ એફ.પી.સી.ને માર્કેટ લિન્કેજ માટે સન્માનવામાં આવી હતી.
રિલાયન્સ ફાઉન્ડેશન સપ્લાય ચેઇન, બજારો, ટેકનોલોજી, ધિરાણ, ફાઇનાન્સને ખેડૂતો માટે સુલભ બનાવવા ઉપરાંત એફ.પી.ઓ.ને માર્ગદર્શન પૂરું પાડે છે અને એન્ટરપ્રાઇઝ ચલાવવા તથા વિકસાવવા માટે તેમના કાર્યકર્તાઓની ક્ષમતાઓ વિકસાવે છે. એફ.પી.ઓ.ને હવામાન, કિંમતો, જંતુનાશક તથા રોગ નિયંત્રણ અને અન્ય માહિતી અંગે સમયસર સલાહ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં રિલાયન્સ ફાઉન્ડેશને 100થી વધુ એફ.પી.ઓ.ને માર્ગદર્શન પૂરું પાડ્યું છે.
સી.આઇ.આઇ. એફ.પી.ઓ. સમિટ રાષ્ટ્રીય સ્તરની ઇવેન્ટ છે જે એફ.પી.ઓ. ઇકોસિસ્ટમમાં કામ કરતા ભારતભરના હિતધારકોને આમંત્રે છે. સી.આઇ.આઇ. એફ.પી.ઓ. શ્રેષ્ઠતા પુરસ્કારો સ્વ-ટકાઉ બિઝનેસ મોડલ દ્વારા ખેડૂતો માટે પ્રશંસનીય કાર્ય કરી રહેલા એફ.પી.ઓ.ને શોધીને પ્રોત્સાહિત કરે છે. બનાસ અને ચોરાડ એફ.પી.સી.ને વિવિધ રાઉન્ડની સઘન પસંદગી પ્રક્રિયા બાદ એફ.પી.ઓ. શ્રેષ્ઠતા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.
બનાસ એફ.પી.સી. વર્ષ 2016માં ગુજરાતમાં પાટણ જિલ્લાના રાધનપુરના ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવી હતી. તેની આવક રૂ. 16 લાખ (2016-17) થી 43 ગણી વધી ને રૂ. 7.2 કરોડ (2022-23) થઈ હતી. એફ.પી.ઓ.એ. તેના સભ્ય ખેડૂતોની ખેતીની ઉત્પાદકતા વધારવા, ખેત કામગીરીનું યાંત્રિકીકરણ, તેમના ઇનપુટ ખર્ચમાં ઘટાડો અને તેમની આવક વધારવામાં મદદ કરીને તેમની આજીવિકામાં સુધારો કર્યો છે. FPO પાસે હવે 1,600થી વધુ સભ્ય ખેડૂતો છે.
બનાસ એફ.પી.સી. દ્વારા પ્રોત્સાહિત કરાયેલી ચોરાડ એફ.પી.સી.નો ઉદ્દેશ્ય ગુજરાતના પાટણ જિલ્લાના અંતરિયાળ અને અલ્પવિકસિત વિસ્તાર સાંતલપુર તાલુકાના 24 ગામોમાં ખેડૂતોને સેવા આપવાનો છે. એગ્રિકલ્ચરલ ઇનપુટ સપ્લાય અને એગ્રેગેટ માર્કેટિંગ માટે એફ.પી.ઓ.ના વ્યવસાયિક હસ્તક્ષેપો અને વાજબી પ્રથાઓના પરિણામે તેના સભ્યોના ખેડૂતોને વધુ સારી કિંમત મેળવવામાં અને આવકમાં વધારો કરવામાં મદદ પૂરી પાડી છે. એફ.પી.ઓ. એનસીડીઇએક્સ દ્વારા ઓનલાઈન વેપાર કરે છે અને તાજેતરમાં એનસીડીઇએક્સ દ્વારા ખેડૂતોને તેની સેવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેનું વાર્ષિક ટર્નઓવર રૂ. 23 લાખ (2020-21)થી 15 ગણું વધીને રૂ. 3.46 કરોડ (2022-23) થયું છે.