યુએસએ ભારત સરકારને વિનંતી કરી છે કે કેનેડાની રાજદ્વારી હાજરીના અભાવ પર ભાર ન મૂકે અને કેનેડિયન તપાસમાં સહકાર આપે
વોશિંગ્ટન
ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલો તણાવ ઓછો થયો નથી, ભારતના કડક વલણ બાદ કેનેડાએ તેના 41 રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા છે ત્યારે હવે અમેરિકાએ કેનેડિયન રાજદ્વારીઓના ભારત છોડવા પર ચિંતા વ્યક્ત કરતા પ્રતિક્રિયા આપી હતી.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત રાજદ્વારી સંબંધો પર 1961ના વિયેના કન્વેન્શન હેઠળ તેની જવાબદારીઓનું પાલન કરે. વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું હતું કે અમે કેનેડિયન રાજદ્વારીઓના ભારત છોડવાથી ચિંતિંત છીએ. આ ઉપરાંત વધુમાં કહ્યું હતું કે મતભેદોને ઉકેલવા માટે દેશમાં રાજદ્વારીઓની હાજરી જરુરી છે. આ સાથે ભારત સરકારને વિનંતી કરી છે કે કેનેડાની રાજદ્વારી હાજરીના અભાવ પર ભાર ન મૂકે અને કેનેડિયન તપાસમાં સહકાર આપે.
ખરેખર કેનેડાના વિદેશમંત્રીની વળતી કાર્યવાહીનો અર્થ ભારતીય રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ આપવાનો છે. વિદેશ મંત્રી જોલીએ કહ્યું કે ભારતે રાજદ્વારીઓને ગઈકાલ સુધીમાં દેશ છોડી દેવાનો આદેશ આપ્યો હતો. તેમને કહેવામાં આવ્યું હતું કે જો તે આમ નહીં કરે તો તેમનો રાજદ્વારી દરજ્જો રદ કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે ભારતનું આ પગલું અયોગ્ય છે અને રાજદ્વારી સંબંધો પર વિયેના કન્વેન્શનનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની આ વર્ષે જૂનમાં સરે શહેરના એક ગુરુદ્વારામાં હત્યા કરવામાં આવી હતી. આ હત્યા બાદ કેનેડામાં રહેતા ખાલિસ્તાન સમર્થકોએ કેનેડા સરકાર પર દબાણ બનાવવાનું શરૂ કરી દીધું હતું. તેમણે કહ્યું કે આ હત્યામાં ભારતનો હાથ છે. આ પછી સપ્ટેમ્બરમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સંસદમાં આવ્યા અને ભારત પર નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો. તેમજ ઓટાવામાં હાજર ભારતના ટોચના રાજદ્વારીને દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદથી ભારત અને કેનેડા વચ્ચે વિવાદ વકર્યો છે.