દશેરા પર્વ દર વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિએ મનાવવામાં આવે છે, આ વર્ષે આ પર્વ 24 ઓક્ટોબરે મનાવવામાં આવશે
અમદાવાદ
ભારતના સૌથી મહત્વપૂર્ણ તહેવારો પૈકીનો એક છે દશેરા. તેને લોકો ખૂબ ધામધૂમથી મનાવે છે. આ વર્ષે આ તહેવાર 24 ઓક્ટોબર એટલે કે મંગળવારે મનાવવામાં આવશે. દેશના દરેક ભાગમાં આ તહેવારનું જશ્ન જોવા મળે છે પરંતુ અમુક એવા સ્થળો છે જે દશેરા મનાવવા માટે સમગ્ર દુનિયામાં ફેમસ છે.
દશેરા પર્વ દર વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિએ મનાવવામાં આવે છે. આ વર્ષે આ પર્વ 24 ઓક્ટોબરે મનાવવામાં આવશે. આ પર્વને મનાવવા પાછળ ઘણી માન્યતાઓ છે. પૌરાણિક કથા અનુસાર માતા દુર્ગાએ આ દિવસે રાક્ષસોનો નાશ કર્યો હતો તેથી શારદીય નવરાત્રિના દસમા દિવસે આ ઉત્સવ મનાવવામાં આવે છે.
ભારતમાં લોકો ખૂબ ધામધૂમથી દશેરાનો પર્વ મનાવે છે. આ દિવસે રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. દેશમાં દૂર-દૂરથી લોકો દશેરાનું જશ્ન જોવા આવે છે.
નવરાત્રિની પૂજા હોય કે દશેરા આ પર્વ કોલકાતામાં ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે. દશેરા દરમિયાન આ શહેરને પંડાલોથી સજાવવામાં આવે છે. જેમાં માતા દુર્ગા માટે ખાસ સ્થાન બનાવવામાં આવે છે. જ્યાં તેમની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે.
કુલ્લૂમાં દશેરાનો ઉત્સવ ઘણા દિવસો સુધી ચાલે છે. ત્યાં આ ખાસ અવસરે જુલૂસ પણ કાઢવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ થાય છે અને તેઓ પોતાના માથા પર દેવી-દેવતાઓને મૂકીને લઈ જાય છે. કુલ્લુમાં દશેરાના ઉત્સવ દરમિયાન મેળો ભરાય છે જ્યાં કુલ્લુની સંસ્કૃતિને તમે જોઈ શકો છો.
ગુજરાતમાં દશેરાનો તહેવાર અનોખીરીતે મનાવવામાં આવે છે. દશેરાના દિવસે રામ રાવણની સેના વચ્ચે યુદ્ધ થાય છે. આ જોવા માટે લોકોની મોટી સંખ્યામાં ભીડ થાય છે. દશેરાના અવસરે ગરબા પણ રમવામાં આવે છે, જે ખૂબ મશહૂર છે. પુરુષ અને મહિલાઓ આ દિવસે રંગબેરંગી વસ્ત્રો પહેરીને ગરબા રમે છે,
દશેરાના ઉત્સવ માટે દિલ્હીને ખૂબ જ સુંદરરીતે સજાવવામાં આવે છે. જ્યાં વિજયાદશમીના અવસરે ઘણા સ્થળોએ રામલીલાનું આયોજન થાય છે. જો તમે દિલ્હી શહેરમાં હોવ તો દશેરા જોવા જોઈએ, તો સુભાષ મેદાન તમારા માટે સારો ઓપ્શન છે.
પંજાબમાં પણ દશેરા ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે. વિજયાદશમીના દિવસે રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. દશેરામાં ભવ્ય મેળો જામે છે. જેમાં મિઠાઈઓની દુકાન આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હોય છે. જો તમે પણ આ વીકેન્ડમાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો પંજાબના દશેરા જોવા જઈ શકો છો.