રાજ્યમાં 24 કલાકમાં હાર્ટએટેકથી આઠ જણાંનાં મોત થયા

Spread the love

અમદાવાદ, ધોરાજી, રાજકોટ અને કપડવંજ તેમજ વડોદરા તથા ખંભાળિયામાં મોત થયા, ગરબામાં ખેલૈયાઓ માટે સરકારની ખાસ ગાઈડલાઈન


અમદાવાદ
ગુજરાતમાં હાર્ટ એટેકથી મૃત્યુ થવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાય દિવસથી હાર્ટ એટેકથી યુવકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે હવે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકોના મોતથી હાહાકાર મચી ગયો છે.
રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી નાની વયની ઉંમરે હાર્ટ એટેકથી મોત થવાના ઘણા કિસ્સાઓ પ્રકાશિત થયા છે જેમાં ક્રિકેટ રમતા-રમતા, લગ્નમાં ડાન્સ કરતા સમયે, બસમાં મુસાફરી દરમિયાન, જીમમાં કસરત કરતા તેમજ વાહન ચલાવતા સમયે અચાનક જ હ્રદયરોગનો હુમલાથી સ્થળ પર જ મોત થયાની ઘટનાઓ બની છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો હાર્ટ એટેકથી 8 લોકોના મોત થયા છે જેમાં અમદાવાદ, ધોરાજી, રાજકોટ અને કપડવંજ તેમજ વડોદરા તથા ખંભાળિયામાં મોત થયા છે.
અમદાવાદમાં ગરબા રમતો યુવક અચાનક જ ઢળી પડ્યો હતો જેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જો કે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એક ઉત્તર પ્રદેશના 28 વર્ષિય શ્રમિક ભાદર ડેમના પાટિયાનું સમારકામ દરમિયાન અચાનક ઢળી પડ્યો હતો જેને ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જો કે તબીબ દ્વારા પોસ્ટમોર્ટમ કર્યા બાદ યુવકનું મૃત્યુ હાર્ટ એટેકથી થયુ હોવાનું સામે આવ્યુ હતું.
રાજકોટ શહેરમાં પોપટરા મધ્યસ્થ જેલમાં ચાલુ ફરજ દરમિયાન અચાનક હ્રદયરોગનો હુમલો આવતા સવાઈસિંહ હાલાજી નામના જવાનનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત શહેરના રૈયા રોડ પર આવેલા અમૃતા પાર્ક સોસાયટીમાં રહેતા બિલ્ડર જયેશ ઝાલાવડિયા ઘરે અચાનક બેભાન થતા પડી ગયા હતા જેને હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા.
વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં બે વ્યક્તિઓના મોત હ્રદયરોગના હુમલાને કારણે થયા છે જેમાં એક માંજલુપર વિસ્તારમાં રહેતા 35 વર્ષિય જગદીશ પરમારનું હાર્ટ એેટેકથી મોત થયું જ્યારે બીજા કિસ્સામાં રિક્ષા ચાલકનું રિક્ષા ચલાવતા જ હાર્ટ એટેક આવ્યો હતો અને સારવાર દરમિયાન મોત થયું હતું. આ સિવાય ખેડા જિલ્લાના કપડવંજમાં 17 વર્ષિય વીર શાહ નામના યુવકને અચાનક જ નાકમાંથી લોહી નીકડતા તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જો કે સારવાર કારગત નિવડે તે પહેલા જ તેનું મૃત્યુ થયુ હતું. આ ઉપરાંત દ્વારકા જિલ્લામાં આવેલા ખંભાળિયામાં પણ હ્રદયરોગના હુમલાથી એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. ખંભાળિયાના મોટા આંબલા ગામે રહેતા 31 વર્ષિય આતિમભાઈનું કંપનીમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું હતું.
રાજ્યમાં ગરબા રમતા રમતા હાર્ટ એટેકથી થતા મોત વધી રહ્યા હોવાથી ખેલૈયાઓ માટે એક ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે જેમાં ગરબા રમતા દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 40 વર્ષથી વધુ ઉંમરના તેમજ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ગાઈડલાઈનમાં મહત્વની સૂચના આપવામાં આવી છે.

Total Visiters :107 Total: 1045548

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *