ભૂકંપની અસર ભારતમાં પણ જોવા મળી હતી, દિલ્હી, બિહાર, ઉત્તર પ્રદેશમાં પણ આંચકા અનુભવાતા લોકો ઘરોની બહાર નિકળી ગયા હતા
નવી દિલ્હી
નેપાળમાં સવારે ૬.૧ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જે બાદ દિવસભર પાંચ જેટલા આંચકા આવ્યા હતા. જેને કારણે નેપાળમાં ૨૦થી વધુ મકાનો ધરાશાય થયા હતા. નેપાળના આ ભૂકંપની અસર ભારતમાં પણ જોવા મળી હતી. દિલ્હી, બિહાર, ઉત્તર પ્રદેશમાં પણ આંચકા અનુભવાતા લોકો ઘરોની બહાર નિકળી ગયા હતા. નેપાળના લોકોને ૨૦૧૫માં આવેલા ભૂકંપની યાદ આવી ગઇ હતી, જેમાં ૯૦૦૦ લોકો માર્યા ગયા હતા. જોકે તાજેતરના ભૂકંપમાં કોઇ જાનહાની નથી જોવા મળી.
નેપાળના ભૂકંપ મોનિટરિંગ અને સંશોધન કેન્દ્રના જણાવ્યા અનુસાર નેપાળના ધાડિંગ જિલ્લામાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે નેપાળના જ અન્ય જિલ્લાઓ બાગમતિ, ગંડાકી વગેરેમાં પણ આંચકા અનુભવાયા હતા. કોઇ જાનહાનીની ઘટના સામે નથી આવી જોકે અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન થયું હતું, જ્યારે નેપાળમાં ૨૦થી વધુ મકાનો પણ ધરાશાયી થયા છે. જ્યારે નેપાળમાં આવેલા ભૂકંપની અસર દિલ્હી એનસીઆર, બિહાર, ઉત્તર પ્રદેશમાં પણ જોવા મળી હતી.
જોકે ભારતના આ વિસ્તારોમાં આવેલા ભૂકંપની તિવ્રતા નેપાળમાં આવેલા ભૂકંપ કરતા ઓછી હોવાથી કોઇ નુકસાનના અહેવાલો નથી.
સૌથી વધુ અસર બિહારમાં જોવા મળી હતી, બિહારના બગહા, સીવાન અને ગોપાલગંજમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જ્યારે ઉ. પ્રદેશના ગોરખપુરમાં પણ અસર થઇ હતી. નેપાળમાં ભૂકંપ આવવો સામાન્ય બાબત માનવામાં આવે છે. નેપાળ એ પર્વતમાળા પર સ્થિત છે જ્યાં તિબેટિયન અને ભારતીય ટેક્ટોનિક પ્લેટો મળે છે. જે દર શતાબ્દીમાં બે મીટર જેટલી એકબીજાની નજીક આવી રહી છે.
જેને કારણે દબાણ વધે છે અને ભૂકંપના ઝટકા આવે છે. રવિવારે સવારે નેપાળમાં ૬.૧ની તિવ્રતાનો ભૂકંપ આવ્યાના ૨૯ મિનિટની અંદર અન્ય ચાર આંચકા અનુભવાયા હતા. જેમાંથી બે આંચકાની તિવ્રતા ૪.૩ અને એકની તિવ્રતા ૪.૧ની હતી. જ્યારે સાંજે પણ એક આંચકો અનુભવાયો હતો.