ઈઝરાયલી સૈન્યએ ગાઝા પટ્ટીમાં તાબડતોબ ઓપરેશન હાથ ધરવા દરમિયાન હમાસના આતંકીઓ સાથે સામનો થતાં બંને તરફથી ભારે બોમ્બમારો કરાયો
જેરૂસલેમ
ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વકરી રહ્યું છે ત્યારે 15 દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં પ્રથમ વખત ઈઝરાયલી આર્મીના જવાનો અને હમાસના આતંકીઓ સામ-સામે આવી ગયા હતા. ઈઝરાયલી સૈન્યએ રવિવારે ગાઝા પટ્ટીમાં તાબડતોબ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન હમાસના આતંકીઓ સાથે સામનો થતાં બંને તરફથી ભારે બોમ્બમારો કરાયો હતો. સમગ્ર વિસ્તારમાં બોમ્બ ધડાકાના જ અવાજો સંભળાઈ રહ્યા હતા. હમાસના આતંકીઓએ આ દરમિયાન ઈઝરાયલી સૈન્યના વાહનોને નષ્ટ કર્યાનો દાવો કર્યો છે.
એક અહેવાલ અનુસાર હમાસના આતંકીઓએ દાવો કર્યો છે કે તેણે બે ઈઝરાયલી સૈન્યના બુલડોઝર અને એક ટેન્કને નષ્ટ કરીદીધા છે. ઈઝરાયલી સૈનિકો રવિવારે કથિત ગ્રાઉન્ડ ઓપરેશન માટે ગાઝા પટ્ટીમાં ઘૂસ્યા હતા. ત્યાં હમાસના આતંકીઓ સાથે સામનો થયો હતો. હમાસે કહ્યું કે આ અથડામણમાં અમે ભારે પડી ગયા હતા અને ઈઝરાયલી સૈનિકોએ પીછેહઠ કરવી પડી હતી. આ અથડામણ કથિત ગઝાનના ખાન યુનિસ શહેરમાં થઇ હતી.
જોકે ઈઝરાયલી સૈન્યએ આ મામલે કોઈ સત્તાવાર ટિપ્પણી નથી કરી. જ્યારે હમાસે દાવો કર્યો છે કે તેના લડાકૂઓએ ઘાત લગાવીને કરેલા હુમલામાં બે ઈઝરાયલી સૈન્યના બુલડોઝર અને એક ટેન્કને નષ્ટ કરી દીધા છે. જેનાથી ઈઝરાયલી સૈનિકોએ તેમના વાહનો વગર જ પીછેહઠ કરવાની ફરજ પડી હતી. ઈઝરાયલી સૈન્યએ કહ્યું કે ઘટના દરમિયાન અમારી સેના ગાઝામાં કામ કરી રહી હતી. આ દરમિયાન એક આઈડીએફ ટેન્કે હમાસના એ આતંકીઓ પર હુમલો કર્યો જેમણે અમારા સૈનિકો પર ગોળીબાર કર્યો હતો.