ઈઝરાયેલના વિદેશમંત્રી એલી કોહેને ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે ટેલીફોન પર વાત બાદ ચીનની સરકારી મીડિયાએ વાંગના ટાંકીને ઉપરોક્ત નિવેદન જારી કર્યું
બીજીંગ
ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ચીને પોતાના જ નિવેદન પર પલટી મારી છે. અત્યાર સુધી પેલેસ્ટાઈનનું સમર્થન કરી રહેલા ચીને હવે ઈઝરાયેલ પરના હુમલા અંગે મોટું નિવેદન આપ્યું છે. ચીને હમાસે ઈઝરાયેલ પર કરેલા બર્બરતાપૂર્વકના હુમલાની ટીકા કરી ન હતી, જોકે હવે તેણે સ્વિકાર કર્યો છે કે, ઈઝરાયેલને પોતાની આત્મરક્ષા કરવાનો અધિકાર છે. ઈઝરાયેલના વિદેશમંત્રી એલી કોહેને ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે ટેલીફોન પર વાત કરી હતી. આ વાતચીત બાદ ચીનની સરકારી મીડિયાએ વાંગના ટાંકીને ઉપરોક્ત નિવેદન જારી કર્યું છે.
ચીનની સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર, વાંગ યીએ ઈઝરાયેલના વિદેશમંત્રીને કહ્યું કે, ‘તમામ દેશોને પોતાની આત્મરક્ષા કરવાનો અધિકાર છે, જોકે તે આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાઓ અને નાગરિક સુરક્ષાના નિયમોનું પણ પાલન થવું જોઈએ.’ ઉલ્લેખનિય છે કે, અમેરિકા અને યૂરોપીય દેશોના નિવેદનની જેમ ચીને પણ ઈઝરાયેલની કાર્યવાહીનું સમર્થન કર્યું છે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તાજેતરમાં જ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઈઝરાયેસ-હમાસ યુદ્ધને તુરંત રોકવું જોઈએ અને ઈજિપ્ત અને અન્ય આરબ દેશો સાથે સંકલન કરી પેલેસ્ટાઈન વિવાદનો ઉકેલ લાવવાની સલાહ આપી હતી. દરમિયાન ચીને ઈઝરાયેલ હુમલા કરનાર હમાસની હજુ સુધી ટીકા કરી નથી. આ હુમલામાં ઈઝરાયેલના 1400 લોકોના મોત થયા હતા. અમેરિકાના વરિષ્ઠ સાંસદ ચક શૂમરે પણ ઈઝરાયેલ પ્રત્યે ચીનના વલણની ટીકા કરી હતી, તો ઈઝરાયેલે પણ ચીનના વલણ અંગે નિરાશા વ્યક્ત કરી હતી.
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ સતત ઉગ્ર બની રહ્યું છે. હમાસે દાવો કર્યો છે કે, ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 5,000થી વધુ લોકોના મૃત્યુ થયા છે. ઇઝરાયેલ સરકારે કહ્યું કે, આ યુદ્ધ સમાપ્ત થયા બાદ ગાઝા પટ્ટી પર હમાસનું શાસન રહેશે નહીં. એવામાં હમાસે જણાવ્યું કે, 7 ઓક્ટોબરના હુમલા દરમિયાન ઇઝરાયેલથી ગાઝા પટ્ટીમાં લાવવામાં આવેલી વધુ બે મહિલા બંધકોને મુક્ત કરી દેવામાં આવી છે. હમાસે એક નિવેદન આપતા જણાવ્યું કે, કતાર અને ઇજિપ્તની મધ્યસ્થી બાદ માનવીય કારણોસર બંનેને મહિલાઓને મુક્ત કરવામાં આવી છે. હજુ આ અંગે ઇઝરાયેલના કોઈ અધિકારીઓએ પુષ્ટિ કરી નથી. પરંતુ ઇઝરાયલી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે મહિલાઓને ગાઝા અને ઇજિપ્ત વચ્ચેની રફાહ બોર્ડર પર લઈ જવામાં આવી હતી.