ગાઝાની 13 જાહેર હોસ્પિટલો પૈકી સૌથી મોટી શિફા હોસ્પિટલોમાં 130 નવજાત બાળકોને ઈન્ક્યુબેટરમાં મુકવામાં આવે છે
ગાઝા
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના જંગમાં ગાઝા પટ્ટીમાં રહેતા લાખો લોકો પરનુ સંકટ સતત વધી રહ્યુ છે.
એક તરફ ગમે ત્યારે ઈઝરાયેલ આ વિસ્તારમાં જમીની આક્રમણ શરુ કરે તેવો ડર છે તો બીજી તરફ ગાઝા પટ્ટીમાં જીવન જરુરિયાતની વસ્તુઓના ફાંફા પડી રહ્યા છે. ખાસ કરીને હોસ્પિટલોમાં વીજ સપ્લાય બંધ થવાના જોખમના કારણે નવજાત શીશુઓના મોત થઈ શકે છે.
ગાઝાની 13 જાહેર હોસ્પિટલો પૈકી સૌથી મોટી શિફા હોસ્પિટલોમાં 130 નવજાત બાળકોને ઈન્ક્યુબેટરમાં મુકવામાં આવે છે. આ ઈન્ક્યુબેટર માટે ઈલેક્ટ્રિસિટીની જરુર પડે છે. અત્યારે હોસ્પિટલ જનરેટર થકી વીજ પ્રવાહ મેળવી રહી છે. જોકે જનરેટરમાં ફ્યુલ ખતમ થઈ રહ્યુ છે અને જો વીજ પ્રવાહ ઠપ થયો તો ઈન્ક્યુબેટરમાં મુકાયેલા નવજાત બાળકો મોતને પણ ભેટી શકે છે.
ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયનુ કહેવુ છે કે, અમે નથી જાણતા કે જનરેટરો ક્યાં સુધી ચાલશે અને એટલા માટે જ અમે આખી દુનિયાને ફ્યુલ પૂરૂ પાડવા માટે અપીલ કરી રહ્યા છે. અમે અમારા જાહેર તેમજ ખાનગી પેટ્રોલ પંપોને પણ અપીલ કરી છે કે, હોસ્પિટલોમાં લોકોનો જીવ બચાવવા માટે જે પણ પેટ્રોલ કે ડીઝલ બચ્યુ છે તે દાનમાં આપી દે.
શિફા હોસ્પિટલના ડોકટરોનુ કહેવુ છે કે, અમને જો જરુરી મેડિકલ સપ્લાય ના મળ્યો તો અહીંયા ભારે તબાહીના દ્રશ્યો જોવા મળી શકે છે.
ઈઝરાયેલે હાલમાં ગાઝા પટ્ટી વિસ્તારની ચારે તરફથી નાકાબંધી કરી છે. જેના કારણે ગાઝા વિસ્તારમાં જીવન જરુરિયાતની વસ્તુઓની અછત વરતાઈ રહી છે.આ વિસ્તારમાં 23 લાખ લોકો રહે છે અને તેમના માટે પાણી, ભોજન, દવાઓ અને ફ્યૂલ ખતમ થઈ રહ્યુ છે.હોસ્પિટલોને કાર્યરત રાખવામાં પણ ડોક્ટરોને સંઘર્ષ કરવો પડી રહ્યો છે.