પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે
નવી દિલ્હી
અરબી સમુદ્ર બાદ હવે બંગાળની ખાડી પાસે લો પ્રેશર સર્જાયું છે જેના કારણે ત્યાં ચક્રવાતીની સ્થિતિ સર્જાઈ છે. અરબી સમુદ્રમાં બનેલું ચક્રવાત ‘તેજ’ આરબ દેશો તરફ આગળ વધ્યું છે પરંતુ બંગાળની ખાડીમાં આવેલા વાવાઝોડા ‘હામૂન’ અંગે હવામાન વિભાગે મોટું અપડેટ આપ્યું છે. આઈએમડી એ બંગાળની ખાડી પાસે સર્જાયેલ ચક્રવાત ‘હામૂન’ના કારણે રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે બંગાળની ખાડીમાં બનેલું ચક્રવાત ‘હામૂન’ ઉત્તર-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે. વર્તમાન આગાહી અનુસાર, આ ચક્રવાત બાંગ્લાદેશના ખેપુપારા અને ચટગાંવના દરિયાકાંઠે ટકરાશે. તે 25મી ઓક્ટોબરે બપોરે દરિયાકાંઠે પહોંચી શકે છે.
દક્ષિણ આસામ અને પૂર્વ મેઘાલયમાં આજે અને આવતી કાલે ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય ઓડિશાના દરિયાકાંઠે પણ ચોમાસાની અસર જોવા મળશે. આજે અહીં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. ચક્રવાતને કારણે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડશે. ચક્રવાત ‘હામૂન’ના કારણે સમગ્ર પશ્ચિમ બંગાળમાં જોરદાર પવન ફૂંકાશે. પવનની ઝડપ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે. આજ સવારથી જ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. બાંગ્લાદેશના દરિયાકાંઠે પવનની ઝડપ 75 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
આ ચક્રવાતની અસર ભારતના ઉત્તર-પૂર્વમાં જોવા મળશે. હવામાન વિભાગે મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને મેઘાલય માટે હળવા અને મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આજથી જ વરસાદી ગતિવિધિઓ શરૂ થશે. ત્રિપુરા અને અન્ય રાજ્યોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. જોકે, 26 ઓક્ટોબરે વરસાદની ગતિવિધિઓમાં ઘટાડો જોવા મળી શકે છે.