ઈઝરાયેલ સિક્યુરિટી ઓથોરિટીએ એક વિડિયો ક્લીપ જાહેર કરી છે અને તેમાં હમાસના આતંકીઓને હુમલાની કબૂલાત કરતા જોઈ શકાય છે
તેલ અવીવ
સાત ઓક્ટોબરે દક્ષિણ ઈઝરાયેલ પર હમાસે કરેલા હુમલામાં આતંકીઓએ કઈ હદે ક્રુરતા આચરી હતી તેનો વધુ એક પૂરાવો સામે આવ્યો છે.
ઈઝરાયેલ સિક્યુરિટી ઓથોરિટીએ સોમવારે એક વિડિયો ક્લીપ જાહેર કરી છે અને તેમાં હમાસના આતંકીઓને હુમલાની કબૂલાત કરતા જોઈ શકાય છે. હુમલામાં સામેલ કેટલાક આતંકીઓ પકડાયા બાદ તેમની પૂછપરછ દરમિયાન વાતચીત રેકોર્ડ કરવામાં આવી હતી. આ વિડિયો તેનો જ એક હિસ્સો છે.
આતંકીઓની કબૂલાત ધ્રુજાવી દે તેવી છે. આ વિડિયોમાં આતંકીઓને કહેતા સાંભળી શકાય છે કે, ઈઝરાયેલી નાગરિકોને બંધક બનાવીને ગાઝામાં લાવવા બદલ 10000 અમેરિકન ડોલર તેમજ એક એપાર્ટમેન્ટના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. ખાસ કરીને અમને વૃધ્ધ મહિલાઓ અને બાળકોનુ અપહરણ કરવા માટે સૂચના અપાઈ હતી.
આતંકીઓ પૈકીના એકનુ કહેવુ હતુ કે, મેં મારા ઉપરીની વાત માનીને બે ઘરોને આગ ચાંપી દીધી હતી. એક કુતરાને પણ ગોળી મારી હતી. એટલુ જ નહીં લાશ પર પણ ગોળીઓ વરસાવવાનુ ચાલુ રાખ્યુ હતુ.
ઈઝરાયેલ સિક્યુરિટી ઓથોરિટીના જણાવ્યા અનુસાર સાત ઓકટોબરે આચરવામાં આવેલા હત્યાકાંડની જે તપાસ થઈ રહી છે તેમાં હમાસના આતંકીઓની ક્રુરતાના પૂરાવા મળી રહ્યા છે. હમાસની મિલિટરી વિંગે આતંકીઓને આદેશ આપ્યો હતો કે, ઈઝરાયેલમાં મરવાથી બચવા કે ધરપકડથી બચવા માટે ઘરોમાં સંતાયેલા રહો…
જોકે ઈઝરાયેલ પર હુમલા બાદ ઈઝરાયેલે વળતો પ્રહાર કરીને ગાઝાને ખેદાન મેદાન કરી નાંખ્યુ છે અને હજી પણ ઈઝરાયેલ યુધ્ધ વિરામ કરવાના મૂડમાં નથી.