પેલેસ્ટાઈન-ઇઝરાયેલ યુદ્ધમાં સ્થિતિ અરબના દેશો સાથે વધારે સુસંગત હોવાની ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગની સ્પષ્ટતા
બેઈજિંગ
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ પર પોતાનું મૌન તોડતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે બેજિંગને આશા છે કે આ મુદ્દો “ટુ સ્ટેટ સોલ્યુશન” ના આધારે “ન્યાયી અને કાયમી રીતે” ઉકેલવામાં આવી શકે છે. ચીનની રાજધાની બેજિંગમાં મીડિયાને સંબોધતા માઓએ કહ્યું હતું કે, અમે આશા રાખીએ છીએ કે પેલેસ્ટાઈનના વિવાદનો ટુ સ્ટેટ સોલ્યુશનના આધારે વ્યાપક, ન્યાયી અને કાયમી રીતે ઉકેલ આવશે. પેલેસ્ટાઈન-ઇઝરાયેલ યુદ્ધમાં અમારી સ્થિતિ અરબના દેશો સાથે વધારે સુસંગત છે.
બંને બાજુના નાગરિકો પર થતા અત્યાચારની ટીકા કરતાં તેમણે કહ્યું કે તેમનો દેશ આંતરરાષ્ટ્રીય કાયદાના કોઈપણ ઉલ્લંઘનનો વિરોધ કરે છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ચાલુ સંઘર્ષ વચ્ચે નાગરિકોને બચાવવાની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે ગાઝામાં માનવીય સહાય પહોંચાડવાની જરૂર છે. ત્યાં માનવસર્જિત આપત્તિને રોકવા માટે સહાય પૂરી પાડવી મહત્વપૂર્ણ છે.
માઓએ કહ્યું કે અમે બધા આશા રાખીએ છીએ કે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેના વર્તમાન તણાવનો કોઈક ઉકેલ મળી જશે. અમે નાગરિકોને નુકસાન પહોંચાડતા કૃત્યો અને આંતરરાષ્ટ્રીય કાયદાના કોઈપણ ઉલ્લંઘનનો વિરોધ કરીએ છીએ. આ સાથે જ અમે નાગરિકોની સુરક્ષા કરવા અને માનવીય સહાય આપવાનું આહ્વાન કરીએ છીએ. તેમણે કહ્યું કે અમે પેલેસ્ટિની લોકો માટે અલગ દેશ અને અસ્તિત્વના અધિકાર તથા તેમની વાપસીના અધિકારનું સમર્થન કરીએ છીએ. જેના વિશે અમારું માનવું છે કે પેલેસ્ટાઈનના મુદ્દાનો ઉકેલ લાવવાનો આ એકમાત્ર ઉપાય છે.