પરિવારજનોએ યુવકને બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ ટ્રેક્ટર વાળાએ તેમની એક વાત ન માની તે બસ તેજીથી યુવક ઉપર ટ્રેક્ટર ચલાવતો રહ્યો
ભરતપુર
રાજસ્થાનના ભરતપુરમાં બે પક્ષો વચ્ચે વિવાદિત જમીનને લઈને ઝઘડો થઈ ગયો હતો. જેમાં એક યુવકની ટ્રેક્ટરથી કચડી હત્યા કરી નાખવામાં આવી. હેવાનિયતની તમામ હદો પાર કરતા એક વખત નહીં પરંતુ 8 વખત યુવકને ટ્રેક્ટરથી કચડ્યો. પરિવારજનોએ યુવકને બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ ટ્રેક્ટર વાળાએ તેમની એક વાત ન માની. તે બસ તેજીથી યુવક ઉપર ટ્રેક્ટર ચલાવતો રહ્યો.
બીજી તરફ લોકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી લીધો. જે હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. બંને પક્ષો વચ્ચે જમીન મુદ્દે લડાઈ ચાલુ થઈ હતી. આ લડાઈમાં 12 લોકો ઘાયલ પણ થઈ ગયા છે. આ તમામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ મામલો બયાના પોલીસ સ્ટેશન વિસ્તારના અડ્ડા ગામનો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ગામના બે પક્ષ બહાદુર સિંહ ગુર્જર અને અતર સિંહ ગુર્જરના પરિવાર વચ્ચે જમીનને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.
બંને પક્ષો વચ્ચે ત્રણ દિવસ પહેલા પણ ઝઘડો થયો હતો જેમાં બંને પક્ષો દ્વારા બયાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પરંતુ બુધવારે બહાદુર સિંહ ગુર્જર પક્ષના લોકો ટ્રેક્ટર લઈને વિવાદિત જમીન ખેડવા નીકળી ગયા હતા. જ્યારે અન્ય પક્ષના અતર સિંહ ગુર્જરના પરિવારને આ અંગેની માહિતી મળી તો તેઓ વિરોધ કરવા ત્યાં પહોંચી ગયા. ખેતરમાં ખેડાણ વખતે બંને પક્ષો વચ્ચે મોટા પાયે ઝઘડો થયો. જ્યારે 45 વર્ષીય નિર્પાઠ સિંહ ગુર્જર ટ્રેક્ટર રોકીને વિરોધ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે ટ્રેક્ટર ચાલકે તેને કચડી નાખ્યો અને તેમનું મોત થઈ ગયું.
ઝઘડો જોવા માટે ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ત્યાં એકઠા થઈ ગયા હતા. પરંતુ તેઓ માત્ર આ ઘટના જોતા રહ્યા અને વીડિયો બનાવતા રહ્યા. જોકે, નિર્પાઠ સિંહ ગુર્જરના પરિવારજનોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ટ્રેક્ટર ચાલક નિર્પાઠ સિંહ ગુર્જર ઉપર એટલી ઝડપે વારંવાર ટ્રેક્ટર ચલાવી રહ્યો હતો કે, જો અન્ય કોઈ આગળ આવે તો તેને પણ કચડી નાખત.
ટ્રેક્ટર ચાલકે 8 વખત નિર્પાઠ ઉપરથી ટ્રેક્ટર ચલાવ્યું. જ્યાં સુધી તેણે શ્વાસ ન છોડ્યો ત્યાં સુધી તે આ હેવાનિયત કરતો રહ્યો. માહિતી મળ્યા બાદ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને તમામ ઘાયલોના નિવેદન લઈને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. બીજી તરફ કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે. નિર્પાઠ સિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.
એએસપી ઓમપ્રકાશ કલવાણીએ જણાવ્યું કે આ મામલે 5 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. કેટલાક આરોપીઓ હજુ પણ ફરાર છે. તેમની તલાશ કરવામાં આવી રહી છે. આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.