હમાસના આતંકવાદીઓએ લગભગ 200થી વધુ લોકોને બંધક બનાવીને રાખ્યા છે અને આ આતંકીઓનું લોકેશન જાણવા ઈઝરાયેલી સેના તમામ પ્રયાસો કરી રહી છે
જેરુસલેમ
ઈઝરાયેલ-હમાસના યુદ્ધ વચ્ચે ગાઝાવાસીઓની સતત મુશ્કેલી વધતી જઈ રહી છે. મિસાઈલ હુમલાનો સામનો કરી રહેલા ગાઝામાં અનાજ-પાણીની સમસ્યા ઉભી થવાની સાથે વિજ અને ફ્યુલ સપ્લાયનું પણ સંકટ આવી ચઢ્યું છે. હમાસે ઈઝરાયેલના નાગરિકોને બંધક બનાવ્યા બાદ આક્રમક બનેલા ઈઝરાયેલે ગાઝામાં ફ્યુલ સહિતની સપ્લાય અટકાવી દીધી છે, ત્યારે ઈઝરાયેલી સેનાએ ગાઝામાં વસતા લોકોને વિનંતી કરી છે કે, તેઓ હમાસે જે સ્થળોએ ઈઝરાયેલી નાગરિકોને બંધક રાખ્યા છે, તેની માહિતી આપે. જાણકારી આપનારને નાણાંની પણ ઓફર કરવામાં આવી છે. હમાસના આતંકવાદીઓએ લગભગ 200થી વધુ લોકોને બંધક બનાવીને રાખ્યા છે અને આ આતંકીઓનું લોકેશન જાણવા ઈઝરાયેલી સેના તમામ પ્રયાસો કરી રહી છે.
ઈઝરાયેલી સુરક્ષા દળ (આઈડીએફ)એ સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં બંધક બનાવાયેલ ઈઝરાયેલી નાગરિકોને બચાવવા માટે હમાસના આતંકવાદીઓ અંગે યોગ્ય માહિતી આપનારને નાણાંની ઓફર કરાઈ છે. ઉપરાંત આઈડીએફ માહિતી આપનાર વ્યક્તિનું નામ ગુપ્ત રાખવાનું પણ વચન આપ્યું છે. આઈડીએફે કહ્યું કે, જો તમે શાંતિથી રહેવા ઈચ્છો છો અને બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય ઈચ્છે છો તો તુરંત માનવીય કાર્ય કરો અને અમને બંધકોને છુપાવીને રાખેલા સ્થળો અંગે માહિતી આપો. ઈઝરાયેલી સેના તમને વિશ્વાસ આપે છે કે, અમે તમારા અને તમારા ઘરોને સુરક્ષા પુરી પાડવાના વધુમાં વધુ પ્રયાસો કરીશું. આ માટે તમને ઈનામરૂપે નાણાં આપવામાં આવશે. અમે તમને ગેરંટી આપીએ છીએ કે, આ કામગીરી ગુપ્ત રીતે થશે. માહિતી આપનારાઓ માટે ઈઝરાયેલી સેનાએ 8619 વૉટ્સઅપ, ટેલીગ્રામ, સિગ્નલ: +972503957992 નંબર જારી કર્યો છે.
ઉલ્લેખનિય છે કે, હમાસના આતંકવાદીઓએ 7મી ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો, ત્યારાદ 200થી વધુ ઈઝરાયેલી નાગરિકોને બંધક બનાવી લીધા હતા. આ હુમલામાં લગભગ 1400 ઈઝરાયેલી નાગરિકોના મોત અને ગાઝા પટ્ટીમાં અત્યાર સુધીમાં 5800 લોકોના મોત થયા છે.