એન્ટ્રી વિઝા, બિઝનેસ વિઝા, મેડિકલ વિઝા અને કોન્ફરન્સ વિઝા માટેની સેવાઓ 26 ઓક્ટોબરથી ફરી શરૂ કરવાની ભારતીય હાઈ કમિશનની જાહેરાત
ટોરેન્ટો
ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં સુધારાના અહેવાલ મળી રહ્યા છે. માહિતી અનુસાર ભારતે બુધવારે કહ્યું હતું કે તે ગુરુવારથી કેનેડામાં કેટલીક વિઝા સેવાઓ ફરી શરૂ કરશે. કેનેડામાં ભારતીય હાઈ કમિશને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે એન્ટ્રી વિઝા, બિઝનેસ વિઝા, મેડિકલ વિઝા અને કોન્ફરન્સ વિઝા માટેની સેવાઓ 26 ઓક્ટોબરથી ફરી શરૂ થશે.
ખરેખર તો વિદેશમંત્રી એસ જયશંકરે રવિવારે કહ્યું હતું કે જો ભારત કેનેડામાં તેના રાજદ્વારીઓની સુરક્ષામાં પ્રગતિ જોશે તો તે કેનેડિયનો માટે વિઝા સેવાઓ ટૂંક સમયમાં ફરી શરૂ કરવાનું વિચારશે. ઉલ્લેખનીય છે કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ 18 સપ્ટેમ્બરે આરોપો લગાવ્યા બાદ ભારત અને કેનેડાના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી.
ટ્રુડોએ આરોપ લગાવ્યો હતો કે જૂનમાં બ્રિટિશ કોલંબિયામાં ખાલિસ્તાની ભાગલાવાદી આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતના એજન્ટોની ભૂમિકા હતી. જોકે, ભારતે આ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા. થોડા દિવસો પછી, ભારતે જાહેરાત કરી કે તે કેનેડિયન નાગરિકોને વિઝા આપવાનું કામચલાઉ ધોરણે સ્થગિત કરી રહ્યું છે અને કેનેડાના પણ 41 જેટલાં રાજદ્વારીઓને તગેડી મૂક્યા હતા.