જનમતસંગ્રહની શરૂઆત બ્રિટિશ કોલંબિયાના સરે સ્થિત ગુરુનાનક શીખ ગુરુદ્વારાથી 29 ઓક્ટોબરે મીટિંગ આયોજિત કરીને થશે
ટોરેન્ટો
ખાલિતાસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ ભારતીય એજન્સીઓ પર લગાવનારા કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોના વલણે ભાગલાવાદીઓનો જુસ્સો વધારી દીધો છે. હવે કેનેડામાં સક્રિય ખાલિસ્તાની સંગઠનો સમગ્ર કેનેડામાં આગામી વર્ષે ખાલિસ્તાની રેફરેન્ડમ યોજવાની તૈયારી કરી રહ્યા છે તેવો એક અહેવાલમાં દાવો કરાયો છે.
આ રેફરેન્ડમ (જનમતસંગ્રહ) ની શરૂઆત બ્રિટિશ કોલંબિયાના સરે સ્થિત ગુરુનાનક શીખ ગુરુદ્વારાથી 29 ઓક્ટોબરે મીટિંગ આયોજિત કરીને થશે. અગાઉ ભાગલાવાદીઓ 2020માં પણ જનમતસંગ્રહ કરાવી ચૂક્યા છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે રેફરેન્ડમ 2025માં કેનેડામાં યોજાનાર સામાન્ય ચૂંટણી સુધી ચાલશે કે નહીં? પણ એવું મનાય છે કે ભાગલાવાદી સંગઠન કેનેડાની સંઘીય ચૂંટણીમાં તેની મદદથી દબાણની રણનીતિ પર કામ કરશે.
ખાસ કરીને ગ્રેટર ટોરેન્ટો એરિયા અને મેટ્રો વાનકુવરમાં ઘણી બધી સીટો છે. એટલા માટે આ વિસ્તારોમાં રેફરેન્ડમ જેવા પ્રયાસો વધુ થવાની આશંકા છે. 29 ઓક્ટોબરે આ મામલે ગુરુનાનક શીખ ગુરુદ્વારામાં બેઠક યોજાશે. તેના માટે ઠેર-ઠેર પોસ્ટર પણ લગાવાયા છે. તેમાં ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરને શહીદ બતાવાયો છે. તેમાં મતદાન મથકનો પણ ઉલ્લેખ કરાયો છે.
શીખ ફોર જસ્ટિસનો સરગના ગુરુપતવંત સિંહ પન્નુએ એક નિવેદનમાં કહ્યું કે હવે અમારા લોકો વોકલ થઈ રહ્યા છે. હજારોની સંખ્યામાં સરે પહોંચી રહ્યા છે. અત્યાર સુધી ખાલિસ્તાની વિચારધારાના લોકો એટલા માટે મુક્તમને વાત નહોતા કરતા કેમ કે તેમને આતંકી કહેવાતા હતા પણ ટ્રુડોના નિવેદનથી જુસ્સો વધ્યો છે અને લોકો મુક્તપણે પોતાની વાત રજૂ કરી રહ્યા છે. તેણે કહ્યું કે શીખ ફોર જસ્ટિસ માને છે કે નિજ્જરની હત્યામાં ભારતનો જ હાથ છે.