ઈઝરાયેલ-હમાસ યુધ્ધ વિરામ પર કેન્દ્રના વલણ સામે વિરોધ પક્ષો ભડક્યા

Spread the love

કેન્દ્રએ આ મુદ્દે વલણ સ્પષ્ટ કરવું જોઈએઃ પ્રિયંકા, પેલેસ્ટાઈન મુદ્દે ભારત સરકાર કન્ફ્યૂઝનમાં છેઃ પવાર, આ માનવતાવાદી મુદ્દો છે રાજકીય મુદ્દો નથીઃ ઓવૈસી


નવી દિલ્હી
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ગાઝામાં સંઘર્ષ-વિરામનું આહવાન કરતા પ્રસ્તાવથી ભારતે અંતર જાળવી રાખ્યુ હતું. જેને લઈને કોંગ્રેસ સહિત વિપક્ષે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ભારતના આ પગલાથી હું હેરાન છું અને શરમ અનુભવી રહી છું. પ્રિયંકાએ કહ્યું કે, જયારે માનવતા સાથે દરેક કાયદાને બાજુમાં મૂકી દેવામાં આવ્યા છે તો આવા સમયમાં પોતાનું સ્ટેન્ડ નક્કી ન કરવું અને મૌન રહી જોતા રહેવું ખોટું છે.
પ્રિયંકા ગાંધીના પોસ્ટ પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, ભારત પેલેસ્ટાઈનની સાથે ઉભુ છે. પરંતુ પ્રિયંકા ગાંધી મત માટે આતંકવાદી હમાસ સાથે ઉભા છે. ગિરિરાજ સિંહે કહ્યું કે, પ્રિયંકા ગાંધી મત માટે શું-શું કરશો? અમે પેલેસ્ટાઈનના અસ્તિત્વ માટે કાલે પણ ઊભા હતા અને આજે પણ ઊભા છીએ. પરંતુ હમાસ જેવા આતંકવાદીનો પક્ષ કોંગ્રેસ જ લઈ શકે છે સામાન્ય લોકો તો ન લઈ શકે. હમાસ કોઈ ક્રાંતિકારી સંગઠન નથી. હમાસ એક ઉગ્રવાદી સંગઠન છે. હમાસ માનવતા ઉપર એક કલંક છે. અને કોંગ્રેસને કલંક પસંદ છે.
આજે આ પહેલા પ્રિયંકા ગાંધીએ યુએનમાં ભારત દ્વારા લેવામાં આવેલા પગલાની ટીકા કરી હતી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ગાંધીજીએ કહ્યું હતું કે, આંખના બદલામાં આંખ આખી દુનિયાને આંધળી બનાવી દે છે. હું હેરાન છું અને શરમ અનુભવું છું કે ગાઝામાં સંઘર્ષ-વિરામ માટેના મતમાં આપણો દેશ ગેરહાજર રહ્યો. આપણા દેશનું નિર્માણ અહિંસા અને સત્યના સિદ્ધાંતો પર થયુ છે. જે સિદ્ધાંતો માટે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ બલિદાન આપ્યું હતું. આ સિદ્ધાંતો બંધારણનો આધાર છે જે આપણી રાષ્ટ્રીયતાને વ્યાખ્યાયિત કરે છે. તેઓ ભારતની નૈતિક હિંમતનું પ્રતિનિધિત્વ કરે છે જેણે આંતરરાષ્ટ્રીય સમુદાયના સભ્ય તરીકે તેની ક્રિયાઓને માર્ગદર્શન આપ્યું છે.
પ્રિયંકાએ આગળ કહ્યું કે, જ્યારે માનવતાના દરેક કાયદાઓને નષ્ટ કરવામાં આવ્યા છે. લાખો લોકો માટે ખોરાક, પાણી, તબીબી પુરવઠો, સંદેશાવ્યવહાર અને વીજળી બંધ થઈ ગઈ છે અને પેલેસ્ટાઈનમાં હજારો પુરુષો, સ્ત્રીઓ અને બાળકોને ખતમ કરવામાં આવી રહ્યા છે ત્યારે સ્ટેન્ડ લેવાનો ઈનકાર કરવો અને મૌન રહીને જોવું ખોટું છે. આ તે તમામ બાબતોની વિરુદ્ધ છે જેના માટે એક રાષ્ટ્રના રૂપમાં ભારત હંમેશા ઊભુ રહ્યું છે.
યુએનમાં વોટિંગમાં સામેલ ન થવા પર એનસીપી અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે, પેલેસ્ટાઈન મુદ્દે ભારત સરકાર કન્ફ્યૂઝનમાં છે ભારતની નીતિ પેલેસ્ટાઈનનું સમર્થન કરવાની હતી, ઈઝરાયેલનું નહી. પેલેસ્ટાઈનમાં હજારો લોકો મરી રહ્યા છે અને ભારતે ક્યારેય તેનું સમર્થન ન કર્યું. એટલા માટે હાલની સરકારમાં કન્ફ્યૂઝનની સ્થિતિ છે.
એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પોસ્ટ કરતા કહ્યું કે, આ ચોંકાવનારું પગલું છે કે મોદી સરકારે માનવતાવાદી સંઘર્ષ-વિરામ અને નાગરિક જીવનની સુરક્ષા માટે યુએનના પ્રસ્તાવ પર મતદાન કરવાથી અંતર જાળવ્યુ. ઈઝરાયેલે ગાઝામાં 7028 લોકોની હત્યા કરી નાખી છે. તેમાં 3000થી વધુ બાળકો અને 1700 મહિલાઓ સામેલ છે. ગાઝામાં ઓછામાં ઓછા 45% ઘરો નષ્ટ થઈ ગયા છે. 14 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. શાંતિકાળ દરમિયાન પણ, ગાઝાવાસીએઅ સંપૂર્ણ નાકાબંધીનો સામનો કરવો પડ્યો છે અને માનવતાવાદી સહાય પર આધાર રાખવો પડે છે. જ્યારથી યુદ્ધ શરૂ થયું છે ત્યારથી સ્થિતિ વધુ કથળી ગઈ છે.
ઓવૈસીએ આગળ કહ્યું કે, આ માનવતાવાદી મુદ્દો છે રાજકીય મુદ્દો નથી. પ્રસ્તાવ પર રોક લગાવીને ભારત વૈશ્વિક દક્ષિણ, દક્ષિણ એશિયા અને બ્રિક્સમાં એકલું ઊભું છે. નાગરિક જીવન સંબંધિત મુદ્દાઓ પર ભારતે શા માટે દૂરી બનાવી? ગાઝામાં સહાય મોકલ્યા બાદ અંતર કેમ જાળવ્યું? એક વિશ્વ, એક પરિવારનું શું થયું? અને વિશ્વગુરુ? પીએમ મોદીએ હમાસના હુમલાની નિંદા કરી હતી પરંતુ યુદ્ધવિરામની માંગ કરતા યુએનના પ્રસ્તાવ પર સહમત ન થઈ શક્યા. તેમણે થોડા દિવસો પહેલા જોર્ડનના રાજા સાથે વાત કરી હતી પરંતુ જોર્ડન દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવથી તેમણે પોતાને દૂર કરી લીધા હતા. આ એક અસંગત વિદેશ નીતિ છે.

Total Visiters :130 Total: 1041138

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *