દેશમાં વધતા રેલ અકસ્માત પર વિપક્ષોએ ચિંતા વ્યક્ત કરી

Spread the love

રેલવે ક્યારે ઊંઘમાંથી બહાર આવશેઃ મમતા બેનર્જીના તંત્ર પર આકરા પ્રહાર


હૈદ્રાબાદ
એક પછી એક ટ્રેન દુર્ઘટનાઓ વધતી જ જઈ રહી છે ત્યારે આંધ્રપ્રદેશમાં રવિવારે મોડી સાંજે સર્જાયેલી ટ્રેન દુર્ઘટનામાં મૃતકાંક વધીને 13ને વટાવી ગયો છે. તેમાં ત્રણ ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દરમિયાન વિપક્ષે આ અકસ્માતને લઈને સવાલો ઉઠાવ્યા છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સવાલ ઉઠાવ્યો છે કે રેલવે ક્યારે ઊંઘમાંથી બહાર આવશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દેશમાં અવારનવાર આ પ્રકારના ટ્રેન અકસ્માતોની ઘટનાઓ ખૂબ જ ચિંતાજનક છે. મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું કે વધુ એક વિનાશક અકસ્માત, આ વખતે આંધ્રપ્રદેશના વિજયનગર જિલ્લામાં જેમાં બે પેસેન્જર ટ્રેન વચ્ચે સર્જાઈ દુર્ઘટના. ઓછામાં ઓછા 13ના મોત અને 25થી વધુ ઘવાયા. તેમણે આગળ કહ્યું કે વારંવાર આવી ઘટનાઓ બનવી તે દુર્ભાગ્યપૂર્ણ છે. પીડિતોના પરિજનો સાથે મારી સંવેદના અને અમે તાત્કાલિક કાર્યવાહીની માગ કરીએ છીઅ. રેલવે ઊંઘમાંથી ક્યારે બહાર આવશે?
આંધ્રપ્રદેશના વિઝિયાનગરમ જિલ્લામાં હાવડા-ચેન્નઈ લાઇન પર એક ટ્રેન સિગ્નલને પાર કરીને બીજી ટ્રેન સાથે અથડાયા બાદ ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માત સાંજે 7 વાગ્યાની આસપાસ થયો હતો, જ્યાં 08532 વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર ટ્રેન અને 08504 વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર સ્પેશિયલ વચ્ચે ટક્કર થઈ હતી.
રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે પાછળથી વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર ટ્રેનના બે ડબ્બા અને સિગ્નલથી આગળ જતી વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર ટ્રેનનો એન્જિન પાટા પરથી ઉતરી ગયો હતો. રેલવેએ અકસ્માત પાછળ માનવીય ભૂલ હોવાની શક્યતા વ્યક્ત કરી છે. આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. ઈસીઓઆરનું કહેવું છે કે વિજયનગરમાં આ ટ્રેન દુર્ઘટના માનવસર્જિત ભૂલ છે. સિગ્નલ ઓવરશૂટિંગને લીધે દુર્ઘટના સર્જાઈ હોવાની આશંકા છે. તેનો મતલબ એ હોય છે કે કોઈ એક ટ્રેન લાલ સિગ્નલ પર રોકાવાને બદલે આગળ વધી જાય.
અરવિંદ કેજરીવાલે એક્સ પર લખ્યું કે આંધ્રપ્રદેશમાં આ ટ્રેન દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. આ અકસ્માતમાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે જેઓ ઘાયલ થયા છે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય. તેઓ તેમના ઘરે પાછા ફરે. દેશમાં વારંવાર આવા ટ્રેન અકસ્માતોની ઘટનાઓ અત્યંત ચિંતાજનક છે.
કોંગ્રેસે સોશિયલ મીડિયા પર લખ્યું કે આંધ્રપ્રદેશમાં ટ્રેન દુર્ઘટનાના સમાચાર દુઃખદ છે. આ દુર્ઘટનામાં ઘાયલ થવાની સાથે અનેક લોકોના મોતના સમાચાર છે. અમે મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. એ કામના કરીએ છીએ કે ઘાયલો ઝડપથી સાજા થાય.

Total Visiters :160 Total: 1376795

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *