આ ડેટા નામ, ફોન નંબર, એડ્રેસ, આધાર કાર્ડ અને પાસપોર્ટની જાણકારી સહિત ડેટાની ઓનલાઈન વહેંચણી માટે લીક કરવામાં આવ્યો
નવી દિલ્હી
આજના આ આધુનિક સમયમાં પર્સનલ ડેટા સોના કરતા પણ વધુ કિંમતી માનવામાં આવે છે. એવામાં અમેરિકાએ રજૂ કરેલ એક અહેવાલ ભારત માટે ચિંતાજનક છે. અમેરિકાના એક સાયબર સુરક્ષા ફર્મએ એવો દાવો કર્યો છે કે, લગભગ 81.5 કરોડ ભારતીયોનો પર્સનલ ડેટા ડાર્ક વેબ પર લીક થયો છે. એવો દાવો કરવામાં આવે છે કે આ ડેટા નામ, ફોન નંબર, એડ્રેસ, આધાર કાર્ડ અને પાસપોર્ટની જાણકારી સહિત ડેટાની ઓનલાઈન વહેંચણી માટે લીક કરવામાં આવ્યો છે. આ અહેવાલ અનુસાર, ડાર્ક વેબની આડી દ્વારા એક વ્યક્તિએ બ્રીચ ફર્મ પર એક થ્રેડ પોસ્ટ રજૂ કરી 81.5 કરોડ ભારતીયોના આધાર અને પાસપોર્ટના ડેટાને વહેંચવાની ઓફર કરી હતી. આ અહેવાલમાં તો એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, હન્ટર (હ્યુમિન્ટ) યુનિટના તપાસકર્તાઓએ ધમકી આપનાર વ્યક્તિ સાથે સંપર્ક કર્યો હતો. જેમાં માહિતી સામે આવી છે કે, ભારતીય આધાર કાર્ડ અને પાસપોર્ટના ડેટાબેઝને 80,000 ડોલરમાં વેચાયો છે.
સુત્રો પરથી મળતી માહિતી અનુસાર, હાલ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા આ હેકરની શોધ ચાલી રહી છે. અમૂક એવા અહેવાલો સામે આવ્યા છે કે, લીક થયેલ ડેટાબેઝ આઈસીએમઆર સાથે સંબંધિત હોઈ શકે છે. એક ટ્વીટર યુઝરે તો એવો પણ દાવો કર્યો કે, એક અજાણ હેકર દ્વારા 80 કરોડથી વધુ ભારતીયોના કોવીડ-19ના ડેટાબેઝને લીક કર્યો છે. આ ભારતમાં સૌથી મોટો ડેટા લીક થયાનો મામલો છે. લીક થયેલા દેતામાં નામ,પિતાનું નામ, ફોન નંબર, પાસપોર્ટ નંબર, આધાર નંબર, વ્યક્તિની ઉંમરની સમાવેશ થાય છે.
અગાઉ જૂનમાં પણ એવી વાતો સામે આવી હતી કે, કોવિન વેબસાઈટ પરથી વીવીઆઈપી સહિત વેક્સિન લીધેલ વ્યક્તિના પર્સનલ ડેટા ટેલિગ્રામ ચેનલમાં લીક થયાની માહિતી બાદ સરકારે ડેટા ભંગની તપાસનો આદેશ રજૂ કર્યો હતો.