મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 26 લોકો આપઘાત કરી ચૂક્યા છે, આ આપઘાતની ઘટનાઓ મરાઠા અનામતની માગ સાથે જ સંકળાયેલી છે
મુંબઈ
મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માગ સાથે સતત દેખાવો થઈ રહ્યા છે. નાંદેડ જિલ્લાના પોલીસ સુપ્રીન્ટેડન્ટ શ્રીકૃષ્ણ કોકાટે મરાઠા અનામતની માગ કરતા આંદોલનકારીઓ દ્વારા કરાયેલા પથ્થરમારા દરમિયાન ઘવાયા હતા. તેની માહિતી એક અધિકારીએ આપી હતી. મરાઠા અનામત અંગે સર્વપક્ષીય બેઠકમાં પસાર થયેલા પ્રસ્તાવ બાદ કાર્યકર મનોજ જરાંગેને અનિશ્ચિતકાળ માટેના અનશનનો અંત લાવી દેવા કહેવાયું છે. આ મામલે હવે સીએમ શિંદેનું નિવેદન સામે આવ્યું છે.
સર્વપક્ષીય બેઠક અંગે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે મરાઠા અનામત અંગે ઝડપથી કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે અનામત આપવા માટે થોડાક સમયની જરુર છે. મરાઠા સમાજ સમાજને અનામત આપવી એ મહત્ત્વનો મુદ્દો છે. મરાઠા અનામત અંગે તમામ પક્ષો સહમત છે અને તેના માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે પણ બધાએ આ મામલે થોડીક સમજ દાખવવી પડશે.
મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માગ સાથે મોટાપાયે દેખાવો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન આજે સવારે મહારાષ્ટ્ર સરકારમાં એનસીપીના અજિત પવાર જૂથના મંત્રી હસન મુશ્રીફની કાફલામાં સામેલ કાર પર હુમલો કરાયાની ઘટનાએ ચકચાર મચાવી હતી. આ હુમલો આંદોલનકારીઓ દ્વારા જ કરાયો હોવાની માહિતી હતી.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 26 લોકો આપઘાત કરી ચૂક્યા છે. આ આપઘાતની ઘટનાઓ મરાઠા અનામતની માગ સાથે જ સંકળાયેલી છે. ગઈકાલે વધુ 9 લોકે મરાઠા અનામતની માગ સાથે જીવન ટૂંકાવ્યું હતું. 19થી 31 ઓક્ટોબર વચ્ચે એટલે કે માત્ર 13 દિવસમાં આ સમુદાયના કુલ 26 લોકો જીવન ટૂંકાવી ચૂક્યા છે.