પીડિત મહિલા ગુલસબાએ પોલીસ સ્ટેશનમાં જઈને પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી
કાનપુર
ઉત્તર પ્રદેશના કાનપુરમાં ટ્રિપલ તલાકનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પતિએ પોતાની પત્નીને માત્ર એટલા માટે તલાક આપી દીધું કારણ કે, તેણે બ્યૂટી પાર્લરમાં પોતાની આઈબ્રો કરાવડાવી હતી. પતિને આ વાતની જાણ થતાં જ તે ગુસ્સામાં લાલ પીળો થઈ ગયો અને પત્નીને તલાક આપી દીધા. આરોપી વ્યક્તિ સાઉદી આરબમાં રહે છે. તે વીડિયો કોલ પર પોતાની પત્ની સાથે વાત કરી રહ્યો હતો.
પતિ સલીમને જેવી જાણ થઈ કે, તેની મરજી વિના અને મને પૂછ્યા વિના પત્નીએ આઈબ્રો બનાવી છે તો તેણે વીડિયો કોલ પર જ તલાક આપી દીધા. આ ઘટના 4 ઓક્ટોબરના રોજ બની હતી. પીડિત મહિલા ગુલસબાએ પોલીસ સ્ટેશનમાં જઈને પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી અને ત્યારબાદ મામલાનો ખુલાસો થયો છે. ગુલસબાએ પોલીસને કહ્યું કે, તેમના સાસરાવાળા તેમને દહેજ માટે ત્રાસ આપે છે.
પોલીસે મહિલાની ફરિયાદ પર મુસ્લિમ મેરેજ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે. સાઉદી આરબમાં રહેનારો સલીમ પત્ની ગુલસબા સાથે વીડિયો કોલ કરી રહ્યો હતો. ત્યારે તેની નજર આઈબ્રો પર પડી અને તેણે પત્નીને પૂછ્યું કે, મારી મરજી વગર તેં આઈબ્રો કઈ રીતે કરાવી. ગુસ્સામાં આવીને તેણે ટ્રિપલ તલાક આપી દીધા અને કહ્યું કે, હવે તે જે કરવા માંગે છે એ કરવા માટે આઝાદ છે.
ગુલસાબાના લગ્ન જાન્યુઆરી 2022માં પ્રયાગરાજના રહેવાસી મોહમ્મદ સલીમ સાથે થયા હતા. પરંતુ ગુલસાબાના પતિએ તેને સામાન્ય બાબતમાં છૂટાછેડા આપી દીધા. પીડિતાએ તેના પતિ, સાસુ અને અન્ય સાસરિયાઓ સામે પણ ફરિયાદ નોંધાવી છે. તેણે તેમના પતિ પર ક્રૂરતા અને દહેજની માંગ કરવાનો આરોપ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2019માં દેશમાં ટ્રિપલ તલાકને ગેરકાનૂની અને ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ તેમ છતાં આવી ઘટનાઓ સતત સામે આવી રહી છે.