ભારતમાં ઓક્ટોબરમાં બેકારી બે વર્ષના 10.05 ટકાના સર્વોચ્ચ સ્તરે પહોંચી

Spread the love

સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી લિમિટેડે તેના ડેટા દ્વારા માહિતી આપી, બેરોજગારીનો દર મે 2021 પછી સૌથી વધુ થઈ ગયો

નવી દિલ્હી

આ મહિને યોજાનારી 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. પ્રાઈવેટ રિસર્ચ ફર્મ સીએમઆઈઈએ દાવો કર્યો છે કે ભારતમાં બેરોજગારી ઓક્ટોબર 2023માં 2 વર્ષમાં સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. દેશના ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારી વધુ વધી છે. જેની અસર એકંદર બેરોજગારી દર પર દેખાઈ રહી છે. બિઝનેસ સ્ટાન્ડર્ડમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી લિમિટેડે તેના ડેટા દ્વારા માહિતી આપી છે કે ઓક્ટોબરમાં બેરોજગારીનો દર 10.05 ટકા પર પહોંચી ગયો છે. જ્યારે સપ્ટેમ્બર, 2023માં બેરોજગારીનો દર 7.09 ટકાની જેટલો હતો.

ઓક્ટોબરમાં બેરોજગારીનો દર મે 2021 પછી સૌથી વધુ થઈ ગયો છે. તેમાં ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર 6.20 ટકાથી વધીને 10.82 ટકા થયો છે. તેમજ શહેરોમાં નવી નોકરીઓ આવવાના કારણે, આ દર ઘટીને 8.44 ટકા થઈ ગયો છે.

આ વર્ષે યોગ્ય ચોમાસું ન રહેતા ચોખા અને ઘઉં જેવી અનેક ચીજવસ્તુઓના પાકને પ્રતિકૂળ અસર થઈ છે. આ કારણે, ભારત સરકારે દેશમાં આ વસ્તુઓની કિંમતોને નિયંત્રિત કરવા માટે ઘણા નિયંત્રણો લાદ્યા છે. ઓછી ઉપજને કારણે ગ્રામીણ વિસ્તારોમાં ખેતીને અસર થઈ છે. પરંતુ શહેરી વિસ્તારોમાં મેન્યુફેક્ચરિંગમાં તેજી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં શહેરોમાં નવી નોકરીઓની તક વધી રહી છે. નોંધનીય છે કે ભારત સરકાર દર વર્ષે બેરોજગારીનો વાર્ષિક ડેટા જાહેર કરે છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, નાણાકીય વર્ષ 2022-23માં દેશમાં બેરોજગારીનો દર 3.2 ટકા રહ્યો છે.

આ મહીને છતીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાના અને મિઝોરમમાં વિધાનસભાની ચુંટણી છે. આવી સ્થિતિમાં ચૂંટણી પહેલા બેરોજગારીના આ આંકડા સરકારની ચિંતા વધારી શકે છે. નિષ્ણાતોના મતે ભારતનો જીડીપી 6 ટકાના દરે વધવાની સંભાવના છે, પરંતુ તેમ છતાં યુવાનો માટે નવી નોકરીઓનું સર્જન થઈ રહ્યું નથી. આવી સ્થિતિમાં આગામી ચૂંટણીમાં આ એક મોટો મુદ્દો બની શકે છે.

અગાઉ, દેશમાં મોટા પાયે યુવાનોને રોજગાર પ્રદાન કરતી ઇન્ફોસીસ અને વેપ્રો જેવી આઈટી કંપનીઓએ આ વર્ષે નવી ભરતીની પ્રક્રિયા બંધ કરવાનું કહ્યું હતું. આવી સ્થિતિમાં કોલેજમાંથી પાસ આઉટ થયેલા હજારો નવા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે નોકરીનું સંકટ ઊભું થયું છે. દેશમાં બેરોજગારીની સમસ્યા લાંબા સમયથી એક મોટો મુદ્દો છે અને સીએમઆઈઈનો આ ડેટા સ્પષ્ટપણે આનો સંકેત આપી રહ્યો છે.

Total Visiters :145 Total: 1344082

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *