સુરક્ષાદળો ઉગ્રવાદીઓ સામે કડક કાર્યવાહી કરી રહ્યા છે, ખાસ કરીને મ્યાનમારથી આવેલા ઘૂસણખોરોને નિશાન બનાવાઈ રહ્યા છે
ઈમ્ફાલ
વરિષ્ઠ પોલીસ અધિકારીની હત્યા બાદ મણિપુરમાં સુરક્ષાદળો એક્શનમાં આવી ગયા છે. અહેવાલ છે કે આસામ રાઈફલ્સના સેંકડો જવાનોને એરલિફ્ટ કરી મોરેહ લવાયા છે. અહીં સુરક્ષાદળો ઉગ્રવાદીઓ સામે કડક કાર્યવાહી કરી રહ્યા છે. ખાસ કરીને મ્યાનમારથી આવેલા ઘૂસણખોરોને નિશાન બનાવાઈ રહ્યા છે. આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે આ ઘૂસણખોરો અધિકારીની હત્યામાં સામેલ હોઈ શકે છે.
એક અધિકારીને નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું હતું કે આતંકીઓ વિરુદ્ધ એક્શનમાં વધારાના સુરક્ષાકર્મીઓને એરલિફ્ટ કરાયા હતા. અમુકને બાય રોડ મોરેહ મોકલાયા હતા. તેઓ ઉગ્રવાદીઓને ઓળખી કાઢવાનો પ્રયાસ કરશે જે શહેરમાં છુપાયા છે અને ઈન્ડો મ્યાનમાર સરહદ વટાવીને આવ્યા છે.
ખાસ વાત એ છે કે મણિપુરમાં ખાસ કરીને મોરેહમાં અનેક સુરક્ષાદળો તહેનાત કરાયા છે. અહીં આસામ રાઈફલ્સનું પણ પહોંચવું મહત્ત્વપૂર્ણ મનાઈ રહ્યું છે. ખરેખર આ દળ પાસે ભારત-મ્યાનમાર સરહદની સુરક્ષાની જવાબદારી છે. આસામ રાઈફલ્સે ગુપ્તચર અધિકારીઓને કુકી બહુમતીવાળા તેંગનોપાલ જિલ્લાકામાં કામગીરી સોંપી છે.