કેબ એ જાણીજોઈને સામાન્ય જનતા માટે ઉપલબ્ધ ટિકિટોનો મોટો હિસ્સો અલગ રાખી દીધો હોવાનો આરોપ
નવી દિલ્હી
ભારતીય ક્રિકેટ બોર્ડના (બીસીસીઆઈ)ના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી ગઈ કાલે પોતાના મોટા ભાઈ અને બંગાળ ક્રિકેટ સંઘના અધ્યક્ષ સ્નેહાશીષ ગાંગુલીના સમર્થનમાં સામે આવ્યા હતા. તેમણે કહ્યું કે, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અહીં યોજાનારા વિશ્વ કપ મુકાબલાના ટીકિટ વિવાદમાં રાજ્ય સંઘની કોઈ ભૂમિકા નથી.
એક ચાહક દ્વારા મેદાન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ પર કાર્યવાહી કરતા કોલકાતા પોલીસે બુધવારે સ્નેહાસીશને આ આરોપો બાદ સમન્સ પાઠવ્યુ કે, કેબ એ જાણીજોઈને સામાન્ય જનતા માટે ઉપલબ્ધ ટિકિટોનો મોટો હિસ્સો અલગ રાખી દીધો હતો અને તેને વ્યક્તિગત લાભના ઈરાદાથી કાળાબજારી કરનારાને વેચી દીધી હતી. બીસીસીઆઈ અને ઓનલાઈન પોર્ટલ બુકમાયશૉ પર પણ આરોપ લગાવવામાં આવ્યા હતા.
ઈડન ગાર્ડન્સની મુલાકાત દરમિયાન ગાંગુલીએ કહ્યું કે, પોલીસ ગુનેગારોને પકડી શકે છે. આમાં કેબની કોઈ ભૂમિકા નથી. ઈડનમાં 67 હજાર લોકોની ક્ષમતા છે અને માંગ એક લાખથી વધુ છે. તેના મોટા ભાઈ સાથે લગભગ બે કલાક સુધી બેઠક કરનાર ગાંગુલીએ કહ્યું કે, આવું દરેક જગ્યાએ થાય છે ટિકિટની માંગ એટલી છે કે તમે તેને પૂરી ન કરી શકો. આના પર બીજા કોઈનું નિયંત્રણ નથી માત્ર પોલીસ જ તેને રોકી શકે છે.
કેબના કેટલાક આજીવન સદસ્યોને પણ ટિકીટ ન મળી જેના કારણે તેઓ પણ ખુશ નથી. કેબ ના લગભગ 11 હજાર સદસ્યો છે જેમાં આજીવન, સહયોગી અને વાર્ષિક સદસ્યો સામેલ છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને કહ્યું કે, કેબના સંવિધાનમાં ક્યાંય એવું લખેલું નથી કે આજીવન સભ્યને આજીવન ટિકિટ મળશે. કેબ એ ખરેખર 3000 ટિકિટો આપી છે.
ભારત-દક્ષિણ આફ્રિકા મેચની ટિકિટની સૌથી ઓછી કિંમત રૂ. 900 છે જે કાળા બજારમાં રૂ. 5000ની આસપાસ વેચવામાં રહી છે. આ ઉપરાંત 3000, 2500 અને 1500 રૂપિયાની ટિકિટ પણ છે. મંગળવારના રોજ ન્યૂ આલીપોરનો રહેવાસી ટિકિટનું બ્લેક માર્કેટિંગ કર રહ્યો હતો ત્યારે તે પકડાય ગયો હતો. મેમ્બરશિપ ટિકિટ ઓનલાઈન કરવા બદલ પણ લોકો કેબથી પણ નારાજ છે.