પેલેસ્ટાઈનના મુદ્દાના ઉકેલ માટે ટુ-સ્ટેટ સોલ્યુશનનો વિકલ્પ હોવો જોઈએઃ જયશંકર
રોમ
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે રોમમાં આયોજિત સંયુક્ત સત્રમાં ભારતના વિદેશમંત્રીએ સંબોધન કરતા કહ્યું હતું કે 7મી ઓકટોબરે જે થયું તે મોટું કૃત્ય હતું. તેમણે વધુમાં કહ્યું કે યુદ્ધને કારણે સમગ્ર વિસ્તારમાં તણાવની સ્થિતિ છે જેનાથી મધ્ય પૂર્વની સાથે સમગ્ર વિશ્વ ચિંતિત છે.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો એક મહિના જેટલો સમય થવા આવ્યો છે ત્યારે વિદેશમંત્રી એસ. જયશંકરે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે પેલેસ્ટાઈન મુદ્દાનું સમાધાન જરુરી છે પણ આતંકવાદ અસ્વીકાર્ય છે. તેમણે ઉમેર્યું હતું કે પેલેસ્ટાઈનના મુદ્દાના ઉકેલ માટે ટુ-સ્ટેટ સોલ્યુશનનો વિકલ્પ હોવો જોઈએ. જયશંકરે ઈટાલીની રાજધાની રોમમાં આયોજિત સેનેટના ફોરેન અફેર્સ એન્ડ ડિફેન્સ કમિશનના સંયુક્ત સચિવ સત્ર દરમિયાન આ વાત કરી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે આપણે વિવિધ મુદ્દાઓ વચ્ચે સંતુલન જાળવવું પડશે.
વિદેશમંત્રી એસ. જયશંકરે વધુમાં જણાવ્યું હતું કે જો કોઈ ઉકેલ શોધવો હોય તો તેને વાતચીત દ્વારા ઉકેલ શોધવો પડશે. આતંકવાદ દ્વારા ઉકેલ શોધી શકાતો નથી. આ સિવાય તેમણે કહ્યું કે ભારત વાતચીતનું સમર્થન કરે છે અને હંમેશા પેલેસ્ટાઈનની સાથે છે. અમે હંમેશા હમાસને ઈઝરાયેલ સાથે શાંતિથી રહેવાની હિમાયત કરી છે અને અમે માનીએ છીએ કે આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું દરેક વ્યક્તિ દ્વારા આદર થવો જોઈએ તેમ તેમણે કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા ઘણા અઠવાડિયાથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 10 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.