કોંગ્રેસ નેતા જયરામ રમેશ, કેસી વેણુગોપાલ અને અભિષેક મનુ સિંઘવીએ કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી
નવી દિલ્હી
કોંગ્રેસ નેતા જયરામ રમેશ, કેસી વેણુગોપાલ અને અભિષેક મનુ સિંઘવીએ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પર લાગેલા આરોપો પર સરકારની ઝાટકણી કાઢી છે. છત્તીસગઢમાં ચૂંટણી ટાણે મહાદેવ બેટિંગ એપ કેસમાં ઈડીએ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. જયરામ રમેશે કહ્યું કે, આગામી ચૂંટણીમાં ભાજપની હાર નિશ્ચિત છે. પીએમ અને તેમની પાર્ટીએ ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ શરૂ કરી દીધો છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ તેનો મોટા પ્રમાણમાં તેનો દુરુપયોગ કરી રહી છે. ભાજપ બદલાની રાજનીતિ કરી રહ્યું છે.
જયરામ રમેશ સિવાય રાજ્યસભાના સાંસદ અભિષેક મનુ સિંઘવીએ પણ પ્રહાર કર્યા હતા. છત્તીસગઢમાં ભાજપની ખરાબ રીતે હાર થવાની છે. ભાજપ પણ આ વાત જાણે છે એટલે ઈડી સાથે ભાગીદારી અને સહયોગ દ્વારા કાર્યવાહી કરી રહ્યું છે. એવામાં મજાકની વાત છે છત્તીસગઢ પોલીસ દોઢ વર્ષથી આ કેસની તપાસ કરી રહી છે. ચૂંટણીના 4 દિવસ પહેલા કેન્દ્ર સરકારની સૂચના પર ઈડી આ કેસમાં વચ્ચે આવે છે અને ઘણા કર્મચારીઓને ત્રાસ આપવાનું ચાલુ કરે છે આ બધુ સરકાર એટલે કરે છે કારણ કે છત્તીસગઢમાં સીએમ ભૂપેશ બઘેલની જીતી નિશ્ચિત છે.
ઉપરાંત કોંગ્રેસે આ મામલે જીએસટીનો મુદ્દો પણ ઉખેડ્યો હતો. કોંગ્રેસે કહ્યું કે, મોદી-શાહ-સીતારામણે ભારતમાં તમામ ઓનલાઈન સટ્ટાબાજીની એપને કાયદેસર બનાવવાનો અને આ પ્રવૃત્તિઓ પર 28% જીએસટી લાદવાનો નિર્ણય કર્યો છે. મહાદેવ એપના ઓપરેશનલ સ્ટેટસને જોતાં એવું લાગી રહ્યું છે કે, ભાજપને મહાદેવ એપ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હોય. આ મામલે ભંડોળ બંધ થવાના ડરે તેઓ રિંગલીડરની ધરપકડ કરવામાંની આનાકાની કરી રહ્યા છે.