ટ્રેનિંગ દરમિયાન એસીએલ તૂટી ગઈ, તેના રિપ્લેસમેન્ટ માટે સર્જરી કરાવી
વોશિંગ્ટન
મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગની ગઈ કાલે સર્જરી કરવામાં આવી હતી. તાજેતરમાં જ મિક્સ્ડ માર્શલ આર્ટ કોમ્પિટિશનની તૈયારી દરમિયાન તેમના ઘૂંટણમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા ફોટોમાં તેઓ હોસ્પિટલમાં બેડ પર સૂતેલા નજર આવી રહ્યા છે. તેમના ડાબા પગમાં પટ્ટી બાંધવામાં આવી છે અને સપોર્ટિવ લેગ બ્રેસ લગાવવામાં આવ્યો છે. ઝુકરબર્ગે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ટ્રેનિંગ દરમિયાન એસીએલ તૂટી ગઈ. હવે તેના રિપ્લેસમેન્ટ માટે સર્જરી કરાવી છે. આ સાથે જ તેમણે પોતાનું ધ્યાન રાખવા બદલ ડોક્ટર્સ અને ટીમનો આભાર માન્યો હતો.
માર્ક ઝુકરબર્ગે પોતાની પોસ્ટમાં એ પણ જણાવ્યું કે, તેમને ઈજા કેવી રીતે પહોંચી છે. તેમણે લખ્યું કે, હું આગામી વર્ષની શરૂઆતમાં યોજાનારી એમએમએ ફાઈટની તૈયારી કરી રહ્યો હતો. પરંતુ હવે તૈયારી પર થોડી અસર પડશે. માર્કે લખ્યું કે, હવે સ્વસ્થ થઈ ગયા બાદ ફરીથી તેની તૈયારી શરૂ કરી દઈશ. સ્નેહ અને સમર્થન માટે તમામનો આભાર. તમને જણાવી દઈએ કે, એસીએલનો અર્થ એન્ટીરિયર ક્રૂશિએટ લિગામેન્ટ છે. આ એક ખૂબ જ મજબૂત પ્રકારનું ટિશ્યૂ છે જે થાઈ બોન અને શિન બોનને જોડે છે. મેયો ક્લિનિક પ્રમાણે આ પ્રકારની ઈજા સામાન્ય રીતે ખેલ દરમિયાન લાગે છે જ્યારે ખેલ દરમિયાન ડાયરેક્શન, જમ્પિંગ અને લેન્ડિંગ દરમિયાન અચાનક અટકવાનું થાય છે. સામાન્ય રીતે એથ્લેટ્સને આ પ્રકારની ઈન્જરી બાદ વાપસીમાં નવથી 12 મહિનાનો સમય લાગી શકે છે.
ઝુકરબર્ગના ફોલોઅર્સ તેમના ઝડપી સ્વસ્થ થવા માટે દુઆ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે આ સાંભળીને ખૂબ જ દુઃખ થયું. તમે જલ્દી સ્વસ્થ થાઈ જાઓ. બીજાએ લખ્યું ઝડપથી સ્વસ્થ થાઈ જાઓ. માર્ક ઝકરબર્ગ બ્રાઝિલના જીયુ-જિત્સુમાં ટ્રેન્ડ છે. તે એક સેલ્ફ ડિફેન્સ માર્શલ આર્ટ છે. તે એક વર્ષથી વધુ સમયથી તેની સાથે સંકળાયેલો છે અને તેણે એક અમેચર ટુર્નામેન્ટ જીતી ચૂક્યા છે. આ વર્ષે જુલાઈમાં તેના કોચે તેને બ્રાઝિલના જિયુ-જિત્સુમાં બ્લુ બેલ્ટ આપ્યો હતો. ગત મહિને ઝુકરબર્ગે ઈન્સ્ટાગ્રામ પર એક સેલ્ફી પોસ્ટ કરી હતી જેમાં તેનો ચહેરો સૂજી ગયો હતો અને તેના ચહેરા પર આંખોની નીચે અને નાક પર અનેક સ્ક્રેચ પણ હતા.