પાકિસ્તાનની જેયુઆઈ-એફના પ્રમુખ મૌલવી ફઝલ ઉર રહેમાને કતારમાં હમાસના સર્વોચ્ચ લીડર ઈસ્માઈલ હનાયા અને ખાલિદ મશાલ સાથે મુલાકાત કરી
કરાચી
ઈઝરાયલ અને હમાસ વચ્ચે જારી યુદ્ધ વચ્ચે પાકિસ્તાનને હમાસ પ્રેમ ઉભરી આવ્યો. પાકિસ્તાનની ધાર્મિક પાર્ટી જમિયત ઉલેમા એ ઈસ્લામ પાકિસ્તાન (જેયુઆઈ-એફ) ના પ્રમુખ મૌલવી ફઝલ ઉર રહેમાને કતારમાં આતંકી સંગઠન હમાસના સર્વોચ્ચ લીડર ઈસ્માઈલ હનાયા અને ખાલિદ મશાલ સાથે મુલાકાત કરી હતી.
જેયુઆઈ-એફ એ એક નિવેદનમાં જણાવ્યું કે ફઝલ ઉર રહેમાને ગાઝાના લોકો સાથે એકજૂટતા બતાવી હતી. આ ઉપરાંત હમાસના નેતાએ કાશ્મીર મુદ્દે પણ નિશાન તાકવાનો પ્રયાસ કર્યો હતો. હમાસના નેતાએ કહ્યું કે પેલેસ્ટાઇન અને કાશ્મીરમાં અન્યાય એ દેશોના ચહેરા પર એક તમાચો છે જે માનવાધિકારોના ઉલ્લંઘન માટે બીજા દેશોની ટીકા કરે છે.
અહેવાલ અનુસાર જેયુઆઈ-એફના પ્રમુખ શનિવારે કતાર પહોંચ્યા હતા. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે બંને નેતાઓ વચ્ચે મુલાકાત એવા સમયે થઇ હતી જ્યારે ઈઝરાયલી ફાઈટર જેટ સતત ગાઝા પટ્ટી પર હવાઈ હુમલા કરી રહ્યા છે. 7 ઓક્ટોબરથી આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 4800થી વધુ બાળકો સહિત આશરે 10 હજારથી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે.
જેયુઆઈ-એફ પ્રમુખ મૌલવી ફઝલ ઉર રહેમાને હમાસના નેતા સાથે વાતચીત દરમિયાન વિકસિત દેશોને ગાઝાની વર્તમાન સ્થિતિ માટે જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું કે વિકસિત દેશોના હાથ ગાઝાના નિર્દોષ બાળકો અને મહિલાઓના લોહીથી રંગાયેલા છે. પેલેસ્ટાઈન ન ફક્ત પોતાની જમીન માટે લડી રહ્યું છે પણ મુસ્લિમ ઉમ્મત તરફથી પ્રથમ કાબાની આઝાદી માટે લડીને પોતાની ફરજનું પાલન કરી રહ્યું છે. જેયુઆઈ-એફ અનુસાર હમાસના નેતા હનાયાએ કહ્યું કે ઈઝરાયલી અત્યાચારો વિરુદ્ધ એકજૂટ જવું મુસ્લિમ ઉમ્મતની ફરજ હતી.