દિલ્હીના 4 મંત્રીઓ જેલમાં છે, કારણ કે દિલ્હી મોડલ તો આવું જ છે કે, જેલની અંદરથી સરકાર ચલાવો
ચંડીગઢ
ભારતીય જનતા પાર્ટી નેતા અને હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે આમ આદમી પાર્ટી (આપ) પર નિશાન સાધ્યું છે. તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કરતા કહ્યું કે, તેઓ જ્યાં પણ જાય છે, ત્યાં સારુ મોડલ રજુ કરી રહ્યા છે. વિજે કહ્યું કે, કેજરીવાલ ચૂંટણી રાજ્યોમાં કહે છે કે, જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો તેઓ તે રાજ્યોમાં દિલ્હી મોડલ લાગુ કરશે.
વિજ મંત્રીએ કટાક્ષ કરતા કહ્યું કે, દિલ્હીના 4 મંત્રીઓ જેલમાં છે, તો તે રાજ્યોમાં કેટલા મંત્રીઓ જેલમાં હશે, કારણ કે દિલ્હી મોડલ તો આવું જ છે કે, જેલની અંદરથી સરકાર ચલાવો. વાસ્તવમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ લીકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલી તો આ મામલે આપના ધારાસભ્યો દ્વારા એવું પણ કહેવાયું કે, કેજરીવાલની ધરપકડ થાય તો પણ તેઓ મુખ્યમંત્રી પદેથી રાજીનામું નહીં આપે. અનિલ વિજે આપ ધારાસભ્યોને આ વાતને લઈ કટાક્ષ કર્યો છે.
અનિલ વિજે દિલ્હીમાં વધતા પ્રદૂષણ મામલે પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, પ્રદૂષણની સમસ્યા નિવારવા તમામ એક થઈને કામ કરવું જોઈએ, આ મામલે રાજકારણ ન રમવું જોઈએ. ઉલ્લેખનિય છે કે, દિલ્હી પ્રદૂષણ મામલે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે.