સેંકડો પેલેસ્ટિની સમર્થકો વોશિંગ્ટનના ટૈકોમા બંદરે એક સૈન્ય સપ્લાય જહાજને રોકવા માટે મોટી રેલીનું આયોજન કર્યું
વોશિંગ્ટન
જેમ જેમ ગાઝા પર ઈઝરાયલના હુમલા વધી રહ્યા છે તેમ તેમ હમાસ વિરુદ્ધ ઈઝરાયલી સૈન્યનું યુદ્ધ લાંબુ ખેંચાઈ રહ્યું છે. એની સામે દુનિયાભરમાં દેખાવો પણ ઉગ્ર થવા લાગ્યા છે. અમેરિકાના ઘણા શહેરોમાં ગાઝા પર થઇ રહેલા હુમલાનો વિરોધ થઈ રહ્યો છે અને ત્યાં સીઝફાયરની માગ થઈ રહી છે. પેલેસ્ટાઈનના સમર્થકો આ દેખાવકારો અમેરિકી સરકારને મજબૂત ઉપાય કરવા અને ઈઝરાયલને હથિયારો નહીં મોકલવાની માગ કરી રહ્યા છે. દરમિયાન સેંકડો પેલેસ્ટાઈન સમર્થક દેખાવકારોએ વોશિંગ્ટનમાં ટૈકોમા બંદરે દેખાવ કર્યા હતા અને ઈઝરાયલને વિસ્ફોટ તથા દારૂગોળા તેમજ બોમ્બ સપ્લાય કરવા જઈ રહેલા અમેરિકી જહાજને રસ્તામાં અટકાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.
એક અહેવાલ અનુસાર રાત્રિના સમયે અને સતત વરસાદ વચ્ચે પણ સેંકડો પેલેસ્ટિની સમર્થકો વોશિંગ્ટનના ટૈકોમા બંદરે એક સૈન્ય સપ્લાય જહાજને રોકવા માટે મોટી રેલીનું આયોજન કર્યું હતું. તેમનું માનવું હતું કે આ જહાજ અમેરિકાથી ઈઝરાયલને હથિયારોનો સપ્લાય કરી રહ્યો હતો જેનો ઉપયોગ ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા ઈઝરાયલી યુદ્ધમાં કરાશે જ્યાં અત્યાર સુધીમાં 10 હજારથી વધુ લોકો માર્યા ગયા છે.
ટૈકોમામાં અમેરિકી સૈન્યના જહાજને રોકવાનો પ્રયાસ કરવામાં દેખાવો કરી રહેલા એક દેખાવકારે કહ્યું કે અમે બધા યુદ્ધવિરામ ઈચ્છીએ છીએ. અમારી ઈચ્છા છે કે લોકોની હત્યા બંધ થાય. અમે અમેરિકી વિદેશ નીતિ અને ઈઝરાયલને અમેરિકાની ફન્ડિંગ પર વાસ્તવિક તપાસ અને કાર્યવાહી ઇચ્છીએ છીએ. તેમણે કહ્યું કે એક ગુપ્ત સુત્રે અરબ રિસોર્સ એન્ડ ઓર્ગેનાઈઝિંગ સેન્ટર (એઆરઓસી) ને જણાવ્યું હતું કે અમેરિકી જહાજ વિસ્ફોટક અને દારુગોળો લઈને ઈઝરાયલ રવાના થવાનું છે. ત્યારબાદ આ જહાજને રોકવાના પ્રયાસો શરૂ કરાયા હતા.