ઈડીની આ કાર્યવાહી મની લોન્ડરિંગ કેસની ચાલી રહેલી તપાસ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે, સંપત્તીની કિંમત 25 કરોડ
નવી દિલ્હી
ઓટોમોબાઈલ કંપની હીરો મોટોકોર્પના સીએમડી અને ચેરમેન પવન મુંજાલની મુસીબતો વધુ વધી ગઈ છે. ઈડીએ દિલ્હીમાં તેની 3 સ્થાવર મિલકતો જપ્ત કરી છે, જેની કિંમત લગભગ 25 કરોડ રૂપિયા છે. ઈડીની આ કાર્યવાહી મની લોન્ડરિંગ કેસની ચાલી રહેલી તપાસ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે.
હીરા મોટોકોર્પના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પવનકાંત મુંજાલ સામે ઈડી પહેલેથી જ મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે. ઈડીએ કહ્યું કે મિલકત જપ્ત કરવાની તાજેતરની કાર્યવાહી એ જ તપાસનો એક ભાગ છે. તાજેતરની કાર્યવાહીમાં, ઈડીએ દિલ્હીમાં સ્થિત ત્રણ મિલકતો જપ્ત કરી છે, જેની સંયુક્ત કિંમત 24.95 કરોડ રૂપિયા છે. આ પહેલા પણ પવન મુંજાલની કેટલીક મિલકતો જપ્ત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં તેની કુલ 50 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
અગાઉ 1 ઓગસ્ટના રોજ પણ ઈડીએ પવન મુંજાલની કેટલીક મિલકતો જપ્ત કરી હતી. તે કાર્યવાહીમાં પવન મુંજાલ અને કંપનીના કેટલાક અન્ય અધિકારીઓની લગભગ 25 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. જપ્ત કરાયેલી સંપત્તિમાં ઘણા ડિજિટલ પુરાવા પણ સામેલ છે. જે બાદ હવે ફરી 25 કરોડ રૂપિયાની 3 મિલકતો જપ્ત કરવામાં આવી છે.
તપાસ એજન્સીએ કહ્યું કે તેણે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા નોંધાવેલી ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. ડીઆરઆઈએ મુંજાલ અને અન્ય લોકો વિરુદ્ધ કસ્ટમ્સ એક્ટની કલમ 135 હેઠળ ફરિયાદ દાખલ કરી છે, જે વિદેશી ચલણને ગેરકાયદેસર રીતે ભારતની બહાર લઈ જવા સાથે સંબંધિત છે. ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે મુંજાલ અને અન્ય લોકો ગેરકાયદેસર રીતે 54 કરોડ રૂપિયાની વિદેશી ચલણ દેશની બહાર લઈ ગયા હતા.
તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર પવન મુંજાલે અન્ય લોકોના નામે વિદેશી ચલણની આપલે કરી હતી. જો કે, તે વિદેશી ચલણનો ઉપયોગ મુંજાલ દ્વારા તેના વિદેશ પ્રવાસ દરમિયાન અંગત ખર્ચ માટે કર્યો હતો. ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની દ્વારા અધિકૃત ડીલર પાસેથી વિવિધ કર્મચારીઓના નામે વિદેશી ચલણ જારી કરવામાં આવ્યું હતું. બાદમાં પવન મુંજાલના રિલેશનશિપ મેનેજરને કરન્સી સોંપવામાં આવી હતી.
ઈડી અનુસાર, પવન મુંજાલનો રિલેશનશિપ મેનેજર ગેરકાયદેસર રીતે કાર્ડ અને રોકડના રૂપમાં વિદેશી ચલણ વિદેશમાં લઈ જતો હતો, જ્યાં પવન મુંજાલ તેની અંગત અથવા વ્યવસાયિક યાત્રાઓ દરમિયાન ખર્ચ કરતો હતો. તપાસ એજન્સીનું કહેવું છે કે મુંજાલે લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ હેઠળ વ્યક્તિ માટે વાર્ષિક 2.5 લાખ ડોલરની મર્યાદા તોડવા માટે આ પદ્ધતિ અપનાવી હતી.