દેશમાં એર ટેક્સી શરૂ થશે, 90 મીનિટની સફર માત્ર 7 મિનિટમાં થશે

Spread the love

એક ભારતીય કંપની ઇન્ટરગ્લોબ એન્ટરપ્રાઇઝે જાહેરાત કરી છે કે 2026 સુધીમાં ભારતના કેટલાક શહેરોમાં ઓલ-ઇલેક્ટ્રિક એર ટેક્સી શરૂ કરશે

નવી દિલ્હી

ભારતમાં હજારોની સંખ્યામાં દરરોજ નવા વાહનો રસ્તા પર ઉતરી રહ્યાં છે. રસ્તાઓ અને જમીન-ક્ષેત્રફળ એટલું જ છે પરંતુ પબ્લિક ટ્રાન્સપોર્ટને બદલે વ્યક્તિગત વાહન ચલાવવાની ચેષ્ઠા દિવસેને દિવસે વધી રહી છે તેથી મોટાભાગના શહેરોમાં ટ્રાફિક જામની ભારે સમસ્યા ઉભી થઈ છે. આ ટ્રાફિકજામને કારણે હવા પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ સહિતના અનેક પડકારો માનવજીવન સામે ઉભા થઈ રહ્યાં છે પરંતુ આપણે આ તરફ જ આગળ વધી જ રહ્યાં છીએ. જોકે સમય સાથે આ સમસ્યાનું નિવારણ લાવવા પર અનેક પ્રયાસો થઈ રહ્યાં છે. ભારતના હવાઈક્ષેત્ર પર રાજ કરતી કંપની હવે ટૂંક સમયમાં ટ્રાફિકની ઝંઝટમાંથી પણ મુક્તિ આપશે અને અંદાજે 90 મિનિટની સફર માત્ર 7 મિનિટમાં પુરૂં કરી આપશે.

એક ભારતીય કંપની ઇન્ટરગ્લોબ એન્ટરપ્રાઇઝે જાહેરાત કરી છે કે 2026 સુધીમાં ભારતના કેટલાક શહેરોમાં ઓલ-ઇલેક્ટ્રિક એર ટેક્સી શરૂ કરશે. ઈન્ટરગ્લોબ એન્ટરપ્રાઈઝમાં ભારતની દિગ્ગજ ઈન્ડિગો એરલાઈન્સ અને અમેરિકાની આર્ચર એવિએશનનું રોકાણ છે. ઇન્ટરગ્લોબ એન્ટરપ્રાઇઝે કહ્યું કે તેઓ ઇલેક્ટ્રિક એરક્રાફ્ટનો ઉપયોગ કરશે જે હેલિકોપ્ટરની જેમ વર્ટિકલ ટેકઓફ અને લેન્ડિંગ કરી શકે છે. તેને ચલાવવા માટે રનવેની જરૂર નથી. કંપનીના જણાવ્યા અનુસાર તે શહેરી ટ્રાફિકમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે. આ રીફોર્મ મુસાફરી માટે ઝડપી, ઇકો-ફ્રેન્ડલી અને ભીડ-મુક્ત વિકલ્પ પ્રદાન કરશે. સૌથી મહત્વની વાત એ છે કે આ ઈ એર ટેક્સીમાં મુસાફરીનો ખર્ચ સ્ટ્રીટ ટેક્સી જેટલો જ હશે.

ઈન્ટરગ્લોબ એન્ટરપ્રાઈઝની રચના ભારતની ઈન્ડિગો એરલાઈન્સ અને અમેરિકાની આર્ચર એવિએશનના સહયોગથી કરવામાં આવી છે. આર્ચર એવિએશનને સ્ટેલાન્ટિસ, બોઇંગ અને યુનાઇટેડ એરલાઇન્સ જેવી મોટી કંપનીઓ તરફથી ટેકો મળે છે. તે ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેકઓફ અને લેન્ડિંગ એરક્રાફ્ટના ઉત્પાદનમાં નિષ્ણાત છે.

ઇન્ટરગ્લોબ એન્ટરપ્રાઇઝ મિડનાઇટ નામના ઇ-એરક્રાફ્ટ સાથે ભારતમાં ટેક્સી સર્વિસ શરૂ કરવાની યોજના ધરાવે છે. તેમાં ચાર મુસાફરો અને એક પાઇલટ માટે બેઠક વ્યવસ્થા હશે. તેની રેન્જ 160 કિલોમીટર આસપાસ છે. કંપની દિલ્હી, મુંબઈ અને બેંગલુરુમાં 200 એરક્રાફ્ટ સાથે કામગીરી શરૂ કરવાની યોજના ધરાવે છે. દિલ્હી જેવા શહેરમાં રોડ ટેક્સી દ્વારા કોઈ સ્થને પહોંચવામાં 60-90 મિનિટ લાગે છે એટલું જ અંતર ઈ-એર ટેક્સી દ્વારા 7 મિનિટમાં કાપી શકાય છે.

ઇન્ટરગ્લોબ એન્ટરપ્રાઇઝ પેસેન્જર સર્વિસ જ સુધી આ સેવાને મર્યાદિત રાખવા નથી માંગતી. કંપની કાર્ગો, લોજિસ્ટિક્સ, તબીબી, કટોકટી અને ચાર્ટર સર્વિસિસ સુધી તેનું વિસ્તરણ કરવા માગે છે. આર્ચર એવિએશને અગાઉ યુએસ એરફોર્સ પાસેથી મોટી ડીલ જીતી છે. આ સિવાય તેમણે યુએઈમાં એર ટેક્સી સર્વિસ શરૂ કરવા ઈચ્છા રજૂ કરી છે.

ઇન્ટરગ્લોબ એન્ટરપ્રાઇઝે કહ્યું છે કે ઓલ-ઇલેક્ટ્રિક એર ટેક્સીથી પર્યાવરણને ફાયદો થશે. વીજળી પર ચાલવાને કારણે તે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરશે. આ સ્વચ્છ અને વધુ ટકાઉ શહેરી વાતાવરણમાં ફાળો આપશે. ઈલેક્ટ્રિક એર ટેક્સીઓ પ્રદૂષણ ઘટાડવા અને ટ્રાફિકની ભીડને પહોંચી વળવા માટેનો ઉત્તમ ઉપાય આપે છે.

Total Visiters :109 Total: 1010657

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *