લોકો તહેવારની તૈયારીમાં લાગેલા હતા ત્યાં ભૂકંપના હળવા આંચકાએ પણ લોકોમાં ભયનો માહોલ ફેલાવ્યો
નવી દિલ્હી
દિલ્હીમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. શનિવારે બપોરે 3:36 વાગ્યાની આજુબાજુ આ ભૂકંપ આવ્યો હોવાનો અહેવાલ છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.6 મપાઈ હતી.
માહિતી અનુસાર પ્રદૂષણના સકંજામાં ફસાયેલી દિલ્હીમાં દિવાળી જેવા પર્વના ટાણે લોકો તહેવારની તૈયારીમાં લાગેલા હતા ત્યાં ભૂકંપના હળવા આંચકાએ પણ લોકોમાં ભયનો માહોલ ફેલાવ્યો હતો. આંચકો એવો હતો કે લોકો ડરને લીધે ઘરની બહાર દોડી આવ્યા હતા. હાલ કોઈ પણ પ્રકારની જાનહાનિના અહેવાલ આવ્યા નથી.
ઉલ્લેખનીય છે કે અગાઉ 6 નવેમ્બરે પણ દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા. ત્યારે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.6 મપાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર ત્યારે નેપાળમાં હતું. દિલ્હી ઉપરાંત ઉત્તરાખંડના પિથૌરાગઢ જિલ્લા સુધી ભૂકંપની અસર જોવા મળી હતી.