નીરવ મોદીને પ્રત્યાર્પણ અપીલ કાર્યવાહીમાં થયેલા 1.50 લાખ પાઉન્ડના દંડના સંદર્ભમાં ટેમ્સાઈડ જેલમાંથી વીડિયો કોન્ફરન્સ થકી લંડનની કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો
લંડન
ભારતમાં બેંકો સાથે છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરી રહેલા ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીએ બ્રિટનની એક કોર્ટ સમક્ષ કહ્યું છે કે, હું વર્ષો સુધી બ્રિટનમાં રહી શકુ છુ.કારણકે કેટલીક કાયદાકીય કાર્યવાહીના કારણે મારુ પ્રત્યાર્પણ ટળી શકે છે.
ગુરુવારે નીરવ મોદીને પ્રત્યાર્પણ અપીલ કાર્યવાહીમાં થયેલા 1.50 લાખ પાઉન્ડના દંડના સંદર્ભમાં ટેમ્સાઈડ જેલમાંથી વીડિયો કોન્ફરન્સ થકી લંડનની કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.આ દરમિયાન નીરવ મોદીએ ત્રણ જજોની બેન્ચને કહ્યુ હતુ કે, મેં દંડ તરીકે દર મહિને 10000 પાઉન્ડ ચુકવવાના કોર્ટના અગાઉના આદેશનુ પાલન કર્યુ હતુ.હું અત્યારે રિમાન્ડ પર જેલમાં છુ પણ મારા પરના આરોપો સાબિત થયા નથી.ભારત સરકાર દ્વારા મારા પ્રત્યાર્પણ માટે બ્રિટનને કરાયેલી અપીલના કારણે હું જેલમાં છું.
જ્યારે નીરવને પૂછવામાં આવ્યુ કે, પ્રત્યાર્પણ માટેની કાયદાકીય કાર્યવાહી પૂરી થવાની સમય સીમા અંગે જાણ હતી કે નહીં તો નીરવે જવાબ આપ્યો હતો કે, કમનસીબે મને આ બાબતની જાણકારી નહોતી મળી.પ્રત્યાર્પણ માટે મને માર્ચ મહિનામાં પકડવામાં આવ્યો હતો.જોકે કેટલીક કાર્યવાહી હજી ચાલુ છે અને તેનાથી મારુ ભારતમાં પ્રત્યાર્પણ રોકાઈ રહ્યુ છે.એવી મજબૂત શક્યતા છે કે, હું લાંબો સમય બ્રિટનમાં જ રહીશ.કદાચ 6 મહિના પણ થઈ શકે છે અને વર્ષો પણ લાગી શકે છે.
દંડ ભરવા માટેના કેસની સુનાવણી બાદ કોર્ટે આ મામલાને આઠ ફેબ્રુઆરી સુધી સ્થગિત કર્યો છે.આ દિવસે નીરવને ફરી વિડિયો કોન્ફરન્સિંગથી કોર્ટ સમક્ષ રજૂ કરાઈ શકે છે.