હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના સંઘર્ષમાં નાગરિકોની હત્યાની કડક શબ્દોમાં ટીકા કરતા ભારતીય વડાપ્રધાન, વાતચીત, રાજદ્વારી ઉપરાંત સંયમ પર ભારપૂર્વક વાત રજૂ કકર્યાનો દાવો
નવી દિલ્હી
ઈઝરાયેલ-હમાસના યુદ્ધને 50થી વધુ દિવસો થઈ ગયા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે, પશ્ચિમ એશિયામાં બનેલી ઘટનાઓથી નવા પડકારો ઉભા થયા છે. તેમણે કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે, ‘ગ્લોબલ સાઉથ’ના દેશોએ વિશ્વના હિતમાં ઉભા થઈ એકસાથે અવાજ ઉઠાવવો જોઈએ. પીએમ મોદીએ ભારતની યજમાની હેઠળ યોજાયેલ વૉયસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટમાં વર્ચ્યુઅલ સંબોધન દરમિયાન આ વાત કહી છે. ઉલ્લેખનિય છે કે, ગ્લોબલ સાઉથનો અર્થ એ દેશો સાથે જોડાયેલો છે, જે દેશો હંમેશા વિકાસશીલ, ઓછા વિકસીત અથવા અવિકસીત રૂપે ઓળખાય છે. અને આમાં મુખ્યરૂપે આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકાનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતે ઈઝરાયેલ પર આતંકવાદી હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે, અમે હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના સંઘર્ષમાં નાગરિકોની હત્યાની કડક શબ્દોમાં ટીકા કરીએ છીએ. અમે વાતચીત, રાજદ્વારી ઉપરાંત સંયમ પર ભારપૂર્વક વાત રજુ કરી છે. તેમણે કહ્યું કે, અમે જોઈ રહ્યા છીએ કે, પશ્ચિમ એશિયાના બનતી ઘટનાઓથી નવા પડકારો ઉભા થઈ રહ્યા છે. દરમિયાન ભારતે વિકાશસીલ દેશો સમક્ષ આવનારા પડકારો અને ચિંતાઓ મુદ્દે અવાજ ઉઠાવવા જાન્યુઆરીમાં ‘વૉઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ’ના પ્રથમ સંસ્કરણની યજમાની કરી હતી.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘વૉઈસ ઓફ ગ્લોબલ સાઉથ’ 21મી સદીની બદલતી દુનિયાને આગળ લાવતું સર્વશ્રેષ્ઠ મંચ છે. તેમણે કહ્યું કે, આપણે 100થી વધુ દેશો છીએ, પરંતુ આપણી પ્રાથમિકતા સમાન છે. પીએમ મોદીએ શિખર સંમેલનમાં પાંચ ‘સી’ – પરામર્શ, સંચાર, સહકાર, સર્જનાત્મકતા અને ક્ષમતા નિર્માણ હેઠળ સહયોગ આપવાની અપીલ કરી. જી20માં આફ્રિકી સંઘને કાયમી સભ્ય બનાવવાનો ઉલ્લેખ કરી વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતના પ્રયાસથી આફ્રિકી સંઘનો કાયમી સભ્ય તરીકે સામેલ કરાયો હતો, હું આ ઐતિહાસિક ક્ષણને ક્યારેય ભુલીશ નહીં.