આ આરોપો બાદ પાકિસ્તાને કહ્યું કે, અમે બંને દેશો વચ્ચે સંઘર્ષમાં તટસ્થ છીએ
ઈસ્લામાબાદ
યુક્રેન અને રશિયાને હથિયારો વેચવા મામલે પાકિસ્તાન પર આરોપો લાગ્યા છે, ત્યારે આ મામલે પાકિસ્તાને સ્પષ્ટતા કરી છે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે આ મામલે નિવેદન બહાર પાડ્યું છે. પાકિસ્તાને યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે હથિયારો વેચ્યાના અહેવાલોને રદીયો આપ્યો છે. પાકિસ્તાને ગઈકાલે કહ્યું કે, તેણે યુક્રેન અથવા રશિયાને કોઈપણ હથિયારો વેચ્યા નથી. આ આરોપો બાદ પાકિસ્તાને કહ્યું કે, અમે બંને દેશો વચ્ચે સંઘર્ષમાં તટસ્થ છીએ.
દરમિાયન પાકિસ્તાન વિદેશ કાર્યાલય દ્વારા એક સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ત્રીજા દેશ (પાકિસ્તાન) દ્વારા યુક્રેનને કથિત રીતે હથિયારો વેચ્યા અંગે સવાલો પુછાયા, તો વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાજ જહરા બલોચે કહ્યું કે, હું આ વાતની પુષ્ટિ કરું છું, ઉપરાંત અમે અગાઉ પણ કહ્યું છે કે, પાકિસ્તાને યુક્રેન અથવા રશિયાને હથિયારો વેચા નથી. કારણ કે અમે આ યુદ્ધમાં તટસ્થ નીતિ અપનાવી છે. બલોચે કહ્યું કે, યુક્રેન અને રશિયા કયા હથિયારોનો ઉપયોગ કરી રહ્યું છે, અમે તે પુષ્ટિ કરવાની સ્થિતિમાં નથી.
ઉલ્લેખનિય છે કે, આ સપ્તાહની શરૂઆતમાં બીબીસી ઉર્દુના અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, રોકડ તંગી સામે ઝઝુમી રહેલા પાકિસ્તાને યુક્રેનને દારુ-ગોળાનો જથ્થો વેચ્યો છે અને પાકિસ્તાને ગત વર્ષે અમેરિકાની 2 ખાનગી કંપનીઓ સાથે હથિયારોની ડીલમાં 36.4 કરોડ અમેરિકી ડૉલરની કમાણી કરી છે. ત્યારે આ આરોપો અંગે પાકિસ્તાન સરકાર યુક્રેન પાસે પાકિસ્તાની હથિયારો હોવાનો સતત ઈનકાર કરી રહી છે. બીજી તરફ પાકિસ્તાને કહ્યું કે, બ્લેક માર્કેટ દ્વાાર હથિયારો પહોંચાડાયા હોવાની સંભાવના પણ હોઈ શકે છે.