કેટલાક એવા ઉમેદવારો પણ છે, જેમને 5થી વધુ સંતાનો છે, ઝાડોલથી કોંગ્રેસના હીરાલાલ દરાંગીને 7 સંતાન છે
જેસલમેર
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીનો અને પોતાનો દબદબો ઊંચે લઈ જવા તમામ ઉમેદવારો ભરપુર પ્રયાસો કરી રહ્યા છે. ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોના ઉમેદવારો દિવસરાત મતદારોને રિઝવવા મથી રહ્યા છે, ત્યારે અહીં એફિડેવીટમાં કેટલીક રોચક વાતો પણ સામે આવી છે. મેવાડ-વાગડની 28માંથી 6 બેઠકો પર 7 ઉમેદવારો એવા છે, જેમની 2-2 પત્નીઓ છે. પ્રતાપગઢ બેઠક પર ભાજપ-કોંગ્રેસના બંને ઉમેદવારોની 2-2 પત્નીઓ છે. ઉમેદવારોએ જ્યારે એફિડેવીટ નોંધાવી ત્યારે તેમના સોગંદનામામાં આ વાતનો ખુલાસો થયો છે.
એફિડેવિટ બાદ સોગંદનામાથી જાણવા મળ્યું કે, કેટલાક એવા ઉમેદવારો પણ છે, જેમને 5થી વધુ સંતાનો છે. આમાં ઝાડોલથી કોંગ્રેસના હીરાલાલ દરાંગીને 7 સંતાનો જ્યારે ભાજપના બાબુલાલ ખરાડીને 5 સંતાનો હોવાનું સોગંદનામામાં સામે આવ્યું છે. જ્યારે ખેરવાડા બેઠક પરના ભાજપ ઉમેદવાર નાનાલાલ અહારીને 6 સંતાનો છે.
ઉદયપુરની વલ્લભનગર બેઠક પરના ભાજપા ઉમેદવાર ઉદયલાલ ડાંગીની 2 પત્નીઓ છે, જ્યારે ખેરવાડા બેઠક પરના કોંગ્રેસ ઉમેદવાર દયારામ પરમાર અને ઝાડોલથી કોંગ્રેસ ઉમેદવાર હીરાલાલ દરાંગીને પણ 2-2 પત્નીઓ છે. પ્રતાપગઢ બેઠક પરના ભાજપ ઉમેદવાર હેમંત મીણા અને કોંગ્રેસના રામલાલ મીણાએ એફિડેવીટ સાથેના સોગંદનામામાં પણ આનો ઉલ્લેખ કર્યો છે. બાંસવાડા જિલ્લાના ગઢી બેઠકના ભાજપ ઉમેદવાર કૈલાશચંદ મીણા અને ઘાટોલ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નાનાલાલ નિનામાની 2 પત્નિઓ છે. ઉલ્લેખનિય છે કે, આદિવાસી વિસ્તારોમાં જનજાતિ વર્ગમાં હજુ પણ બહુપત્નીત્વ પ્રથા છે. અહીં કેટલાક લોકો માટે 2 અને કેટલાક માટે 3 પત્નીઓ હોવી સામાન્ય વાત છે.
ઉદયપુરના સાંસદ અર્જુનલાલ મીણા ને પણ 2 પત્નીઓ છે. કરવા ચોથે તેમની બંને પત્નીઓએ એક સાથે અર્જુનલાલનો ચહેરો જોઈ વ્રત તોડ્યું હતું. ગત વર્ષે તેમની આવી તસવીર સામે સામે આવી હતી અને ખુબ ચર્ચાઓ થઈ હતી. સાંસદની બંને પત્નિઓ મીનાક્ષી અને રાજકુમારી બંને બહેનો છે, બંને રાજીખુશીથી સાથે રહે છે. રાજકુમારી સરકારી શિક્ષિકા છે, જ્યારે મીનાક્ષીના નામે ગેસ એજન્સી છે.