બોલિવૂડના અભિનેત્રીઓ પર હરભજનની ટીપ્પણી પર લોકોએ આક્રોશ ઠાલવ્યો, કેટલાકે તેના અભિપ્રાય પર સહમતી દર્શાવી
અમદાવાદ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે રમાયેલી વન-ડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. આ એતિહાસિક મેચ જોવા માટે ક્રિકેટ ફેન્સ દેશ-વિદેશથી અમદાવાદ આવ્યા હતા. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ જોવા માટે બોલીવૂડના ઘણાં સેલેબ્સની સાથે ભારતીય ક્રિકેટર્સની પત્નીઓ પણ સ્ટેડિયમ આવી હતી. મેચ દરમિયાન કંઇક એવું થયું જેના કારણે ભારતીય ટીમના પૂર્વ સ્પિનર હરભજન સિંહ નિશાને આવી ગયો છે.
ભારતીય ટીમ જયારે બેટિંગ કરી રહી હતી ત્યારે કેમેરામેને વિરાટ કોહલી અને કે.એલ રાહુલની પત્ની અનુષ્કા શર્મા અને અથિયા શેટ્ટી પર ફોકસ કર્યો. બંને એક બીજા સાથે વાતચીત કરી રહી હતી. આ દરમિયાન હરભજન સિંહ હિંદીમાં કોમેન્ટ્રી કરી રહ્યો હતો. અનુષ્કા અને અથિયાને વાત કરતા જોઈ હરભજન તેઓને ટ્રોલ કરવા લાગ્યો હતો. તેણે લાઇવ મેચ દરમિયાન બંને એક્ટ્રેસને ટ્રોલ કરતા કહ્યું, ‘હું એ જ વિચારતો હતો કે ચર્ચા ક્રિકેટ વિશે હશે કે ફિલ્મો વિશે… કારણ કે મને ખબર નથી કે ક્રિકેટ વિશે બંનેને કેટલી સમજણ હશે.’
હરભજનની આ ટીકા લોકોને પસંદ ન આવી અને લોકોએ સોશ્યલ મીડિયા પર તેની ઝાટકણી કાઢી હતી. સોશ્યલ મીડિયા પર ઘણા લોકો હરભજન સિંહને મહિલા વિરોધી ગણાવતા જોવા મળ્યા હતા જ્યારે કેટલાક લોકોએ કહ્યું હતું કે હરભજનની આ ટિપ્પણી યોગ્ય નથી અને તેણે માફી માંગવી જોઈએ. જો કે ઘણા લોકો હરભજન સિંહ સાથે સહમત પણ દેખાતા હતા.