લક્ષ્મણ હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમીના વડા તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે
અમદાવાદ
ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ ગયો છે. હવે બીસીસીઆઈ ટૂંક સમયમાં જ દ્રવિડને લઈને નિર્ણય લઇ શકે છે. ભારતીય ટીમે વન-ડે વર્લ્ડકપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જો કે તેને ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમની હાર બાદ ઘણાં સોશ્યલ મીડિયા યુઝર્સ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માની ટીકા કરી રહ્યા છે.
રાહુલ દ્રવિડે વર્ષ 2021 ભારતીય ટીમના હેડ કોચનું પદ સંભાળ્યો હતું. ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીનો કોન્ટ્રાક્ટ ટી20 વર્લ્ડ કપ 2021માં ગ્રુપ સ્ટેજનથી બહાર થવા બાદ જ પૂરો થઇ ગયો હતો. બીસીસીઆઈએ તેના કાર્યકાળને આગળ વધાર્યો ન હતો. તે પછી દ્રવિડને 2 વર્ષ માટે આ જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ હવે વન-ડે વર્લ્ડ કપ 2023 બાદ દ્રવિડનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઇ ગયો છે. જો ભારતીય ટીમ ચેમ્પિયન બનત તો દ્રવિડને ફરી હેડ કોચ બનાવવાની માંગ થઇ શકતી હતી. પરંતુ હવે શું થશે તે અંગે બીસીસીઆઈ ટૂંક સમયમાં જ નિર્ણય લેશે.
બીસીસીઆઈએ વર્ષ 2019માં રવિ શાસ્ત્રીનો કોન્ટ્રાક્ટ વધાર્યો હતો. શાસ્ત્રી સતત બે ટર્મ સુધી કોચ હતા. પરંતુ દ્રવિડ સાથે આવું થવાની શક્યતા ઓછી છે. ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે 5 મેચોની ટી20આઈ સિરીઝ રમવાની છે. આ સિરીઝની પ્રથમ મેચ 23 નવેમ્બરના રોજ રમાનાર છે. મીડિયા અહેવાલોનું માનીએ તો ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ દરમિયાન વીવીએસ લક્ષ્મણને કોચની જવાબદારી આપવામાં આવી શકે છે. લક્ષ્મણ હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમીના વડા તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે.