ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સ દ્વારા આ ફોટો શેર કરવામાં આવ્યો, મિચેલ માર્શે તેના બંને પગ વર્લ્ડકપની ટ્રોફી પર રાખેલા છે
અમદાવાદ
ક્રિકેટ વર્લ્ડકપના ફાઈનલ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડકપ જીતી લીધો છે. જોકે, ટ્રોફીને સન્માન આપવાની બાબતમાં ઓસ્ટ્રેલિયનો ઉણા ઉતર્યા હોય તેમ લાગે છે. વિજયના નશામાં ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓને પોતાની વર્તણૂકનો પણ ખ્યાલ નથી એવું લાગે છે. હાલમાં એક ફોટો વાઈરલ થયો છે જેમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ વર્લ્ડકપની ટ્રોફી પર બે પગ રાખીને બેઠા છે. આ તસવીરના કારણે સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે અને તમામ ક્રિકેટ ચાહકો ઓસ્ટ્રેલિયાની ટીકા કરે છે.
ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સ દ્વારા આ ફોટો શેર કરવામાં આવ્યો છે. વાઈરલ તસવીરમાં જોવા મળે છે કે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન મિચેલ માર્શે તેના બંને પગ વર્લ્ડકપની ટ્રોફી પર રાખેલા છે. આ ફોટો ક્યારે અને કેવી સ્થિતિમાં પાડવામાં આવ્યો તથા તેની પાછળની સચ્ચાઈ શું છે તે હજુ સ્પષ્ટ થયું નથી. પરંતુ ક્રિકેટચાહકોને બહુ લાગી આવ્યું છે. તેમનું કહેવું છે કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો જીતના નશામાં ભાન ભુલ્યા છે. નહીંતર જે ટ્રોફીને માથે ચઢાવવાની હોય તેના પર આ રીતે પગ રાખીને બેસવાનું ન હોય.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ તરફથી પણ હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી. વર્લ્ડકપ એક એવી ટ્રોફી છે જેના માટે 10 ટીમો વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો અને જે ટીમો લિગ મેચ અથવા સેમી ફાઈનલમાં હારી જતી હતી તેમની આંખોમાં આંસુ આવી જતા હતા. ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચમાં ભારતીય ટીમ હારી ગઈ ત્યારે મેદાનમાં સોંપો પડી ગયો હતો. ભારતીય ક્રિકેટરો ડ્રેસિંગ રૂમમાં જઈને રડ્યા હતા કારણ કે ક્રિકેટ વર્લ્ડકપ સાથે એટલી બધી લાગણી સંકળાયેલી છે.
જ્યારે ઓસ્ટ્રેલિયા માટે આ ઈમોશનને કોઈ સ્થાન ન હોય તેવું લાગે છે. ઓસ્ટ્રેલિયા છ વખત વર્લ્ડકપની ટ્રોફી જીત્યું છે અને તે આ કપને સન્માન આપે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. પરંતુ મિચેલ માર્શ આ રીતે વર્લ્ડકપ પર પગ રાખે તે આઘાતજનક છે.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો વર્લ્ડકપને પોતાના પગ નીચે રાખે તેના કારણે લોકોમાં જાતજાતની પ્રતિક્રિયા આવી રહી છે. કેટલાકનું કહેવું છે કે, “આપણા માથાનો જે તાજ હોય તે તેમના માટે પગની જુતી બરાબર છે”. બીજા અમુકે લખ્યું કે “વર્લ્ડકપને તેઓ (ઓસ્ટ્રેલિયનો) જીત્યા છે. હવે તેની સાથે તેઓ જે કરવું હોય તે કરે. આપણે શું?”