રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે રિટેન કરાયા

Spread the love

હેડ કોચ અને સપોર્ટ સ્ટાફનો કાર્યકાળ કેટલા દિવસ માટે આગળ વધારવામાં આવ્યો છે તેના વિશે બીસીસીઆઈએ કોઈ માહિતી આપી નથી

નવી દિલ્હી

ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા રાહુલ દ્રવિડને ફરી એકવાર ભારતીય ટીમનો હેડ કોચ બનાવવામાં આવ્યો છે. વન-ડે વર્લ્ડકપ 2023ના સમાપન સાથે જ તેનું કાર્યકાળ પણ સમાપ્ત થઇ ગયું હતું. પરંતુ હવે બીસીસીઆઈએ રાહુલ દ્રવિડ એન્ડ કંપનીને રિટેન કરવાનો નિર્ણય કર્યો છે. સિનિયર મેન્સ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ સાથે સપોર્ટ સ્ટાફના કોન્ટ્રાક્ટ પણ એક્સ્ટેન્ડ કર્યા છે. હેડ કોચ અને સપોર્ટ સ્ટાફનું કાર્યકાળ કેટલા દિવસ માટે આગળ વધારવામાં આવ્યો છે તેના વિશે બીસીસીઆઈએ કોઈ માહિતી આપી નથી.

બીસીસીઆઈએ કહ્યું છે કે, ‘બીસીસીઆઈએ રાહુલ દ્રવિડ સાથે તાજેતરમાં સમાપ્ત થયેલા વન-ડે વર્લ્ડકપ 2023 પછી તેમનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થયા પછી તેમની સાથે ચર્ચા કરી હતી અને દરેકની સંમતિથી કોન્ટ્રાક્ટને લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બોર્ડ ભારતીય ટીમને ઘડવામાં રાહુલ દ્રવિડની ભૂમિકાને ઓળખે છે અને તેમની અસાધારણ વ્યાવસાયિકતાની પ્રશંસા કરે છે. બોર્ડ એનસીએના હેડ કોચ અને ભારતીય ટીમના સ્ટેન્ડ-ઇન હેડ કોચ તરીકે વીવીએસ લક્ષ્મણની ભૂમિકાની પણ પ્રશંસા કરે છે. તેમની મહાન ઓનફિલ્ડ ભાગીદારીની જેમ જ રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણે ભારતીય ક્રિકેટને આગળ વધાર્યું છે.’

બીસીસીઆઈ પ્રમુખ રોજર બિન્નીએ કહ્યું કે, ‘રાહુલ દ્રવિડની દૂરદ્રષ્ટિ, વ્યાવસાયિકતા અને દૃઢ પ્રયાસો ટીમ ઈન્ડિયાની સફળતામાં મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. સચિવ જય શાહે આ એક્સ્ટેન્શન પર કહ્યું કે, ‘મેં તેમની નિમણૂક સમયે ઉલ્લેખ કર્યો હતો કે હેડ કોચની ભૂમિકા સંભાળવા માટે રાહુલ દ્રવિડથી વધુ સારો કોઈ વ્યક્તિ નથી અને દ્રવિડે તે સાબિત કર્યું. ભારત હવે તમામ ફોર્મેટમાં એક મજબૂત ટીમ છીએ અને ત્રણેય ફોર્મેટમાં અમારું ટોચનું રેન્કિંગ આનું ઉદાહરણ છે. વર્લ્ડ કપ અભિયાન અસાધારણથી ઓછું ન હતું. તેના માટે હેડ કોચ પ્રશંસાને પાત્ર છે.’

કોચ રાહુલ દ્રવિડે કહ્યું, ‘ટીમ ઈન્ડિયા સાથેના છેલ્લા 2 વર્ષ ખૂબ જ યાદગાર રહ્યા છે. સાથે મળીને અમે ઉતાર-ચઢાવ જોયા છે. અમે ડ્રેસિંગ રૂમમાં જે સંસ્કૃતિ સ્થાપિત કરી છે તેના પર મને ખરેખર ગર્વ છે. અમારી ટીમ પાસે જે કૌશલ્ય અને પ્રતિભા છે તે અસાધારણ છે. હું બીસીસીઆઈ અને પદાધિકારીઓનો મારામાં વિશ્વાસ રાખવા, મારા વિઝનને ટેકો આપવા અને આ સમયગાળા દરમિયાન મને ટેકો આપવા બદલ આભાર માનું છું.’

Total Visiters :106 Total: 1009979

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *