ચોથી ટી20માં ઓસ્ટ્રલિયાને હરાવી ભારતનો શ્રેણી પર કબજો

Spread the love

ભારતે પ્રથમ બેટિંગ કરતા 174 રન બનાવ્યા હતા, જેના જવાબમાં કાંગારૂ ટીમ 154 રનમાં સમેટાઈ ગઈ હતી

રાયપુર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટી20 સીરિઝની ચોથી મેચ ગઈકાલે  રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી જેમાં ભારતનો 20 રને વિજય થયો હતો. આ સાથે જ ભારતે સીરિઝ 3-1થી જીતી લીધી છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાયપુરમાં રમાયેલી ચોથી ટી20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતા 174 રન બનાવ્યા હતા, જેના જવાબમાં કાંગારૂ ટીમ 154 રનમાં સમેટાઈ ગઈ હતી અને ભારતે આ મેચ 20 રને જીતીને સીરિઝ પર કબજો કર્યો છે. ભારત તરફથી રિંકુ સિંહે સૌથી વધુ 46 રન બનાવ્યા હતા જ્યારે યશસ્વી જયસ્વાલે 37 રન અને જીતેશ શર્માએ 35 રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી બેન ડાવરિસે 3 અને તનવીર સંઘા-જેસન બેહરેનડોર્ફે બે-બે વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમે છેલ્લી બે ઓવરમાં માત્ર 13 રન જ બનાવી શકી અને પાંચ વિકેટ ગુમાવી દીધી હતી જેના કારણે સ્કોર 200 રનની નજીક પહોંચી શક્યો નહોતો.

ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન મેથ્યુ વેડે સૌથી વધુ અણનમ 36 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ટ્રેવિસ હેડે 31 રન અને મેથ્યુ શોર્ટે 22 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી અક્ષર પટેલે ત્રણ અને દીપક ચહરે બે વિકેટ ઝડપી હતી.આ ઉપરાંત રવિ બિશ્નોઈ અને અવેશ ખાનને એક-એક વિકેટ મળી હતી. ભારત છેલ્લે ફેબ્રુઆરી 2019માં ઓસ્ટ્રેલિયા સામે દ્વિપક્ષીય ટી20 સીરિઝ હારી ગયું હતું. તે બાદ ભારતીય ટીમ ડિસેમ્બર 2020 અને સપ્ટેમ્બર 2022માં ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સીરિઝ 2-1,  2-1થી જીતી હતી. ભારતની ટી20માં 136મી જીત હતી. આ સાથે જ ભારત ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ મેચ જીતનારી ટીમ બની ગઈ છે.

Total Visiters :100 Total: 1011587

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *