માર્કો રુબિયોના નેતત્વમાં પાંચ રિપબ્લિકન સેનેટરોએ આ મામલે બાયડેનને એક પત્ર પણ લખ્યો
વોશિંગ્ટન
પહેલા કોરોના દ્વારા આખી દુનિયામાં હાહાકાર મચાવી દેનારા ચીનમાં હાલમાં ઝડપથી વધુ એક રહસ્યમય બીમારી ફેલાઈ રહી છે જેને લઈને ઘણા દેશો ફરીવાર ચિંતિત દેખાઈ રહ્યા છે. દરમિયાન અમેરિકામાં આ રોગની એન્ટ્રી માત્રથી અમેરિકી સેનેટરો ફફડી ઊઠ્યાં છે. તેમણે આ મામલે રાષ્ટ્રપતિ બાયડેનને એક ખાસ અપીલ કરી દીધી છે.
અમેરિકી સેનેટરોએ રાષ્ટ્રપતિ બાયડેનને કહ્યું કે છે કે અમેરિકા-ચીન વચ્ચે યાત્રા પ્રતિબંધ મૂકવામાં આવે. માર્કો રુબિયોના નેતત્વમાં પાંચ રિપબ્લિકન સેનેટરોએ આ મામલે બાયડેનને એક પત્ર પણ લખ્યો હતો. આ પત્રમાં કહેવાયું છે કે જ્યાં સુધી એશિયાઈ દેશોમાં ઝડપથી ફેલાઈ રહેલી શ્વાસની બીમારી (ચીન ન્યૂમોનિયા) વિશે વધુ વિગતો સામે ન આવે ત્યાં સુધી અમેરિકા અને ચીન વચ્ચે યાત્રા પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવે.
ખરેખર તો આ રહસ્યમય ન્યૂમોનિયા જેવી બીમારીના ગત એક અઠવાડિયામાં ઘણાં કેસ આવતા તે વૈશ્વિક મુદ્દો બની ગઈ છે. જ્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ) એ આ ઉભરતાં રોગ મામલે ચીન પાસે એક વિસ્તૃત રિપોર્ટ માગ્યો છે. આ સૌની વચ્ચે અમેરિકી સેનેટરોનું કહેવું છે કે ચીનના રેકોર્ડને જોતાં આપણે ડબલ્યુએચઓની કાર્યવાહીની રાહ ન જોવી જોઈએ. અમેરિકી નાગરિકોના સ્વાસ્થ્યને સુરક્ષિત કરવા જરૂરી પગલાં ભરવા જોઈએ.
આ પત્રનો જવાબ આપતાં બાયડેન સરકારે કહ્યું કે આ એક સિઝનલ બીમારી હોઈ શકે છે. અમારી તેના પર ચાંપતી નજર છે. ટ્રેન્ડ પર અમારી નજર છે. કંઇ પણ અસમાન્ય દેખાઈ રહ્યું નથી. ઈમરજન્સી વૉર્ડમાં દાખલ દર્દીઓ અને ચીનમાં ફેલાઈ રહેલી શ્વાસની બીમારીના દર્દીઓ વચ્ચે કોઈ સંબંધ પણ નથી દેખાયો.