સુપ્રીમ કોર્ટ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડનો આભાર માન્યો
નવી દિલ્હી
રાજ્યસભામાંથી આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાનું સસ્પેન્શન ખતમ થઈ ગયું છે. રાઘવ ચઢ્ઢાને 11 ઓગસ્ટે ઉપલા ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આપ સાંસદે આ અંગે સુપ્રીમ કોર્ટનો સંપર્ક પણ કર્યો હતો. આના પર પ્રતિક્રિયા આપતા આપ સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે 11 ઓગસ્ટે મને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. મારું સસ્પેન્શન રદ કરાવવા હું સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. સુપ્રીમ કોર્ટે આની નોંધ લીધી અને હવે 115 દિવસ બાદ મારું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું છે.
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, મને ખુશી છે કે, મારું સસ્પેન્શન પાછું ખેંચી લેવામાં આવ્યું છે અને હું સુપ્રીમ કોર્ટ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડનો આભાર માનું છું. એક વીડિયો મેસેજમાં આપ સાંસદે કહ્યું કે, 115 દિવસ સુધી હું સંસદમાં તમારો અવાજ ન ઉઠાવી શક્યો. હું 115 દિવસ સુધી તમારા સવાલો સરકારને પૂછી ન શક્યો. આગળ તેમણે ખુશી વ્યક્ત કરી કે ભલે આટલા દિવસો બાદ પણ આજે મારું સસ્પેન્શન સમાપ્ત તો થયું. વીડિયોમાં તેણે લોકોને મળેલા સમર્થન માટે તેમનો આભાર પણ વ્યક્ત કર્યો.
આપ સાંસદ રાઘવ ચઢ્ઢાને 11 ઓગસ્ટ 2023 ના રોજ અનુશાસનહીનતાના આરોપમાં રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ગૃહના કેટલાક સાંસદોએ ચઢ્ઢા પર તેમની સંમતિ વિના ઠરાવમાં તેમનું નામ ઉમેરવાનો આરોપ લગાવ્યો હતો. આક્ષેપો કરનારાઓમાં મોટાભાગના સત્તાધારી ભાજપના સભ્યો હતા.