સેન્સેક્સનો 1383 અને નિફ્ટીનો 418 પોઈન્ટનો કૂદકો, રોકાણકારોની સંપત્તીમાં 6 લાખ કરોડનો વધારો

Spread the love

બેંકિંગ તેમજ સરકારી કંપનીઓના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો, સેન્સેક્સ-નિફ્ટી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યા

મુંબઈ
પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ત્રણ રાજ્યમાં મળેલી શાનદાર જીતની અસર આજે શેરબજારમાં પણ જોવા મળી હતી. સેન્સેક્સમાં 1383 પોઈન્ટનો અને નિફ્ટીમાં 418 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો. રોકાણકારોની સંપત્તિમાં એક જ દિવસમાં મોટો વધારો થયો હતો.
આજે સેન્સેક્સ 1383.93 પોઇન્ટના વધારા સાથે 68865.12 પોઇન્ટની સર્વોચ્ચ સપાટી અને નિફ્ટી 418.9 પોઇન્ટના વધારા સાથે 20686.80 પોઇન્ટ પર બંધ રહ્યા હતા. આજના સત્રમાં બેંકિંગ તેમજ સરકારી કંપનીઓના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. એક જ સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 6 લાખ કરોડનો વધારો થયો છે.
રોકાણકારોની સંપત્તિ વધીને 346.46 લાખ કરોડ પર પહોંચી છે. જે ગત સત્રમાં 337.53 લાખ કરોડ હતી. આઇશર મોટર્સ, અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી પોર્ટ્સ, બીપીસીએલ અને આઇસીઆઇસીઆઇ બેન્ક નિફ્ટીમાં સૌથી વધુ વધ્યા હતા, જ્યારે એચડીએફસી લાઇફ, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, વિપ્રો, સન ફાર્મા અને ટાઇટન કંપની ટોપ લુઝર્સમાં સામેલ હતા. નિફ્ટી ફાર્મા અને મીડિયા સિવાય, અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા હતા. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ દરેક 1 ટકા વધ્યા હતા.
આજના સત્રમાં સેન્સેક્સ-નિફ્ટી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યા હતા. તો બેંક નિફ્ટી પણ 1668 પોઈન્ટના ઉછાળા સાથે 46,484 પોઈન્ટની ઐતિહાસિક ટોચે પહોંચી હતી. નિફ્ટી મિડ કેપ ઈન્ડેક્સ અને સ્મોલ ઈન્ડેક્સ પણ તેમના જીવનકાળના ઉચ્ચ સ્તરે બંધ થયા છે. આજના કારોબારમાં સરકારી અને ખાનગી બંને બેંકોના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. સરકારી કંપનીઓમાં પણ મોટી ખરીદી જોવા મળી હતી. સેન્સેક્સના 30 શેરોમાંથી 25 શેરો ઉછાળા સાથે અને 5 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50માંથી 45 શેર ઉછાળા અને 5 ઘટાડા સાથે બંધ થયા છે.

Total Visiters :125 Total: 1384661

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *