યૂપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ સિંહ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી તરફથી પહેલા જ બેઠકમાં સામેલ ન થવાના સંકેત આપી દેવાયા છે
નવી દિલ્હી
આખા વિપક્ષને એકજૂથ કરી ઈન્ડિયા ગઠબંધન બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવનારા મુખ્યમંત્રી નીતીશ કુમાર હવે ગઠબંધનની દૂર ભાગતા નજરે પડી રહ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ 6 ડિસેમ્બરે દિલ્હીમાં ઈન્ડિયા ગઠબંધનની બેઠક બોલાવી છે. ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની હાર બાદ આ પહેલી બેઠક છે. જેના પર સૌની નજર પણ છે. તેવામાં સૂત્રો જણાવી રહ્યા છે કે, મુખ્યમંત્રી નીતીશ કુમાર આ બેઠકમાં સામેલ નહીં થાય. યૂપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ સિંહ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી તરફથી પહેલા જ બેઠકમાં સામેલ ન થવાના સંકેત આપી દેવાયા છે. તેવામાં હવે નીતીશ કુમાર આ બેઠકમાં સામેલ નહીં થવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તો અખિલેશના બદલે સપાથી રામગોપાલ યાદવ સામેલ થશે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે દિલ્હી પહોંચી ચૂક્યા છે. તેઓ ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં ભાગ લેશે.
જેડીયુ તરફથી મુખ્યમંત્રી નીતીશ કુમારના જવા કે ન જવાના વિષય પર કોઈ નિવેદન નથી આપ્યું. જોકે, જેડીયુ નેતાનું કહેવું છે કે, મુખ્યમંત્રી નીતીશ કુમારને ડૉક્ટરે આરામ કરવાની સલાહ આપી છે. તેમને વાયરલ તાવ આવ્યો હતો. જેને લઈને હાલ તેમની તબિયત ઠીક નથી. એટલા માટે તેઓ દિલ્હીમાં થનારી બેઠકમાં સામેલ નહીં થાય. જોકે, તેના બદલે જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ રંજન સિંહ ઉર્ફે લલન સિંહ અને જળ સંસાધન મંત્રી સંજય કુમાર ઝા આ બેઠકમાં સામેલ થશે. ત્યારે, આરજેડી તરફથી પાર્ટી અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવ અને ઉપમુખ્યમંત્રી તેજસ્વી પ્રસાદ યાદવ સામેલ થશે.
મમતા બેનર્જીએ આ બેઠકમાં સામેલ થવાની ના પડતા કહ્યું કે, મને ઈન્ડિયા ગઠબંધનની બેઠક અંગે કોઈ માહિતી નથી. કોઈએ મને આ બેઠક અંગે જણાવ્યું નથી અને ના મને કોઈ આ અંગે કોલ આવ્યો છે. ઉત્તર બંગાળમાં મારો 6 થી 7 દિવસનો કાર્યક્રમ છે. મેં અન્ય યોજનાઓ પણ બનાવી છે. જો હવે તેઓ મને બોલાવે છે તો હું મારી યોજનાઓ કેવી રીતે બદલી શકું.